અઠવાડિયામાં જન્મ લેનાર બાળકના કુટુંબને એક એક ફળ છોડ અપાશે
સગર્ભા બહેનોને સ્તનપાનનું મહત્વ સમજાવાશે
રાજકોટ જિલ્લામાં ૧ થી ૭ ઓગષ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે તેમ જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશની ભાવિ પેઢીને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા માટે દર વર્ષે “વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે રીતે નાના છોડને ભવિષ્યનું મજબુત અને ઘટાદાર વૃક્ષ બનાવવા શરૂઆતથી જ તેની માવજત કરવી પડે છે. તેવી જ રીતે નવજાત બાળક મોટું થઈને તંદુરસ્ત વ્યક્તિ બને તે માટે નાનપણથી જ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ વિશેષ ધ્યાનમાં માતાનું ઘાવણ અગ્ર ભુમિકા ભજવે છે.
બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં વધારો કરવા માટે રાજ્યના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તારીખ ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી “સ્તનપાનનું સમર્થન કરીએ – તંદુરસ્ત વિશ્વના સર્જન માટેના વિષય સાથે “વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. રોગને હરાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબુત હોવી અનિવાર્ય છે. ત્યારે નવજાત બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવવા માટે બાળકના જન્મના પ્રથમ કલાકથી લઈને ૬ માસ સુધી માતાનું ધાવણ અતિ આવશ્યક છે.
રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણી દરમિયાન સપ્તાહના દરેક દિવસે અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવશે. જેમ કે નવજાત બાળકની માતા સાથે ટેલીફોનીક સંવાદ કરવો, સ્થાનિક રેડીયો સ્ટેશનમાં સ્તનપાન જાગૃતિ વિષય સ્પર્ધાનું આયોજન, ઉંબરે આંગણવાડી કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવા મહિલાઓને પ્રેરિત કરવી, પાલકવાલી દ્વારા નવજાત માતા અને કુંટુંબના સભ્યો સાથે ટેલીફોનીક વાર્તાલાપ, સ્તનપાનથી થતા ફાયદા અને બહારના દુધથી થતાં નુકશાન વિશે જાગૃતિ આપવી જેવી અનેક પ્રેરક પ્રવૃતિઓ કરવામાં આવશે.
આ ઉપરાંત પ્રકૃતિના ઉદાહરણ અને વૃક્ષારોપણ થકી નવજાત બાળકને સ્તનપાનથી થતાં ફાયદા વિશે અનોખી રીતે પ્રેરિત કરવા કરવામાં આવશે. જિલ્લાના બાગાયત વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાની સગર્ભા કે જેની સંભવિત સુવાવડ તારીખ તા.૧ થી ૭ ઓગસ્ટ સુધીમાં હોય તેમજ આ અઠવાડિયામાં જન્મ લેનાર નવજાત બાળકના કુંટુંબને એક ફળનો છોડ આપવામાં આવશે.
આ સ્તનપાન સપ્તાહ દરમિયાન એન.એન.એમ. કોર્ડિનેટર, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો દ્વારા કોવીડ-૧૯નો ચેપ ન લાગે તેની સંપૂર્ણ તકેદારી સાથે સગર્ભા માતાઓ કે જેની સંભવિત સુવાવડ તારીખ ૧ થી ૭ ઓગસ્ટ સુધીમાં હોય તેવા નવજાત બાળકોના ગૃહની પણ મુલાકાત લેવામાં આવશે.