પુસ્તક જ્ઞાનનું પરબ છે, પુસ્તકાલયમાં જયારે ભીડ જોવા મળશે ત્યારે સમાજમાં ક્રાંતિ થશે
માનવ જાતનો સૌથી શ્રેષ્ઠ મિત્ર ‘પુસ્તક’ છે વાર્તા-નવલિકા-નાટક-કવિતા-હાસ્યરસ કે વિવેચન વાળા પુસ્તકો આજે પણ વિશ્ર્વભરમાં છે
આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે આજનો યુવા વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં જનરલ નોલેજ અને કરન્ટ અર્ફેસ જાણવા વાંચન અને પુસ્તકાલય તરફ વળ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે નિયામનુસર પુસ્તકાલયનો ઉપયોગ વાંચન મિત્ર કરી રહ્યા છે. રાજકોટની લેંગ લાયબ્રેરી 1856માં શરૂ કરવામાં આવી છે.જેમાં એક લાખને સાત હજાર પુસ્તકો છે તો 4300 સભ્યો મિત્રો રેગ્યુલર વાંચન પ્રેમી છે. આજનો યુવા વર્ગ હવે વાંચન તરફ વળ્યો છે તે એક ખૂબજ સારી બાબત છે તેમ લેંગ લાયબ્રેરીના ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણે અબતક સાથેની વાતચિતમાં જણાવેલ હતુ. રાજકોટની સૌથી જૂની લાયબ્રેરી જયુબેલી બાગમાં આવેલી લેંગ લાયબ્રેરી છે.
પુસ્તક. બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં ! જ્ઞાન મેળવવા માટે હંમેશા પુસ્તકની જરૂર રહી જ છે. બે વર્ષના બાળકથી લઈને ઉંમરલાયક વ્યક્તિ પણ પોતાના જીવનમાં પુસ્તકોનો ઉપયોગ કરતા જ હોય છે પછી એ પુસ્તક ગમે તે વિષયનું હોય એમાં અતિશયોક્તિ ને સ્થાન નહીં. શાસ્ત્રોની વાત કરીએ તો જો પ્રાચીનકાળમાં પુસ્તકો ન લખાયા હોત તો આજે રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ભગવતગીતા, ભાગવદ્દ જેવા ગ્રંથોનું દર્શન અને એમાં વસેલા જ્ઞાનને જાણીને તેનો અમલ કરી જ ન શક્યા હોત આથી પણ વિશેષ આપણા પ્રાચીન વેદો થકી આપણે જીવન કઈ રીતે જીવવું એ જાણી ન શક્યા હોત. તેમ સામાજીક કાર્યકર મિતલ ખેતાણીએ જણાવેલ છે.