રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે: પુસ્તક જ્ઞાનનું પરબ છે
પુસ્તક. બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં ! જ્ઞાન મેળવવા માટે હંમેશા પુસ્તકની જરૂર રહી જ છે. બે વર્ષના બાળકથી લઈને ઉંમરલાયક વ્યક્તિ પણ પોતાના જીવનમાં પુસ્તકોનો ઉપયોગ કરતા જ હોય છે પછી એ પુસ્તક ગમે તે વિષયનું હોય એમાં અતિશયોક્તિ ને સ્થાન નહીં. શાસ્ત્રોની વાત કરીએ તો જો પ્રાચીનકાળમાં પુસ્તકો ન લખાયા હોત તો આજે રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ભગવતગીતા, ભાગવદ્દ જેવા ગ્રંથોનું દર્શન અને એમાં વસેલા જ્ઞાનને જાણીને તેનો અમલ કરી જ ન શક્યા હોત આથી પણ વિશેષ આપણા પ્રાચીન વેદો થકી આપણે જીવન કઈ રીતે જીવવું એ જાણી ન શક્યા હોત.
વર્તમાન સમયમાં દુનિયામાં કેટલાંક સંશોધનો થયા છે કે દરેક ઉગતા દિવસ સાથે લોકોની વાંચન ક્ષમતા ઘટતી જાય છે. લોકો આજે વાંચન બહુ ઓછું અથવા જરા પણ પસંદ નથી કરતાં. તેનું કારણ કદાચ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ માહિતીઓ માટેના જે ઓડિયો વિઝ્યુઅલ મટિરિયલ મળી રહે છે તે હોય શકે. ડિજિટલ મીડિયા આવવાથી અખબારોના વેંચાણમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે આ બાબતનું એક ચોક્કસ ઉદાહરણ થઈ શકે. પરંતુ બીજી બાજુ એ પણ છે કે આખી દુનિયામાં અગણિત સંખ્યામાં લાઈબ્રેરીઓ જોવા મળી રહી છે, સમય સાથે ઘણા નવા પુસ્તકાલય પણ સ્થપાય છે ઉપરાંત એક અંદાજ મુજબ દુનિયામાં દરરોજ હજારોની સંખ્યામાં વધુ નવાં પુસ્તકો પ્રકાશિત થાય છે. જો લોકોની વાંચન ક્ષમતા ઘટી છે તો રોજ રોજ આટલા પુસ્તકો પ્રકાશિત થઈને ક્યાં જાય છે ? કોણ વાંચે છે ? જો લોકોની વાંચન ક્ષમતા એટલી જ ઘટી છે તો રોજ રોજ આટલા પુસ્તકો બહાર પાડવાની શું જરૂર ? આ આંકડા દર્શાવે છે કે લોકો હજુ પણ વાંચનમાં રસ લઈ રહ્યા છે. દુનિયાના અગણિત પુસ્તકાલયો, થોકબંધ પુસ્તકો, પ્રસિદ્ધ લેખકો સાથે ઉભરતા લેખકો દ્વારા લખાયેલા વિવિધ પ્રકારના જેવા કે વાર્તા, નવલિકા, નાટક, કવિતા, હાસ્યરસ કે વિવેચનવાળા પુસ્તકો હજુ પણ વિશ્વમાં રહેલા પુસ્તકપ્રેમી લોકો દ્વારા વંચાય રહ્યા છે.
– મિત્તલ ખેતાણી