કોરોના મહામારીની પછડાટ દરેક દેશને લાગી છે. ભલભલા વિકસિત દેશો પણ વર્ષો પાછળ ધકેલાઈ ગયા છે. ભારતને પણ ફટકો પડયો છે. ત્યારે મહામારીના આ સમયમાં ભારતની વ્હારે વિશ્વ બેંક આવ્યું છે અને વિશ્વ બેંકે દેશમાં કોરોના રોગચાળા વચ્ચે 500 મિલિયન ડોલર એટલે કે 3600 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઇને થતાં નુકસાનમાંથી બેઠાં કરવા માટે કરવામાં આવશે. આ અગાઉ જુલાઈ 2020માં પણ વર્લ્ડ બેંકે 750 મિલિયન ડોલરની આર્થિક સહાય કરી હતી.
વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ દેશના 5.5 લાખ એમએસએમઇ ઉદ્યોગપતિઓને આ પગલાથી ફાયદો થશે. નાના ધંધાકીય નાણાકીય સહાય કાર્યક્રમ રેમપ હેઠળ, પ્રથમ તબક્કામાં આ ક્ષેત્રમાં રોકડ પ્રવાહમાં વધારો અને ક્રેડિટ આવશ્યકતાઓને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત વર્લ્ડ બેંક એમએસએમઇની ઉત્પાદકતા અને ધિરાણમાં ભારત સરકારના પ્રયત્નોને પણ ટેકો આપશે. ભારતમાં વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદે કહ્યું કે એમએસએમઇ ક્ષેત્રએ દેશની અર્થવ્યવસ્થાની મહત્વપૂર્ણ કરોડરજ્જુ છે. જે કોવિડ-19 રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, રેમપી કાર્યક્રમ દ્વારા એમએસએમઇ ક્ષેત્રમાં લાંબા ગાળાની ઉત્પાદકતા આધારિત વૃદ્ધિ માટે પાયો નાખવો હિતાવહ છે. જેનાથી મોટા પાયે રોજગારી પણ ઉભી થશે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિઓ ઉપરાંત આ કાર્યક્રમ રાજ્યોમાં પણ ચાલશે. જેમાં ગુજરાત,પંજાબ, તામિલનાડુ, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ છે. આ રાજ્યોમાં કાર્યક્રમો લાગુ કરવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં અન્ય રાજ્યોનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે. જણાવી દઈએ કે એમએસએમઇ ક્ષેત્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓનો મોટો ભાગ છે. તે દેશના જીડીપીમાં 30 ટકા ફાળો આપે છે. જ્યારે તેના દ્વારા થતી નિકાસ 40 ટકા છે. આવી સ્થિતિમાં, વર્લ્ડ બેંક અને તેની સહાયક કંપની આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ આ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે.