ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક ભ્રષ્ટાચારમાં ટોચ પર, દરરોજ 11 કેસ
ઇન્ટરનેશનલ ન્યૂઝ
ભારતમાં દરરોજ ભ્રષ્ટાચારના સરેરાશ 11 કેસ નોંધાય છે. 2021ની સરખામણીમાં 2022માં ભ્રષ્ટાચારના કેસોમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. NCRBના તાજેતરના અહેવાલ મુજબ, જ્યારે 2021માં કુલ 3,745 કેસ નોંધાયા હતા, તે 2022માં વધીને 4139 થઈ ગયા.
ભ્રષ્ટાચાર સંબંધિત વૈશ્વિક દેશોની યાદીમાં ભારત 85માં ક્રમે છે, જે દર્શાવે છે કે લોકશાહી દેશ ગણાતા ભારતમાં પણ ભ્રષ્ટાચારની સમસ્યા અત્યંત ગંભીર છે. CPI (CORRUPTION PERCEPTIONS INDEX)ના રિપોર્ટ અનુસાર દુનિયાના 180 દેશોની યાદીમાં ભ્રષ્ટાચારના મામલે ભારત 40 અંક સાથે 85 ક્રમે છે. વર્ષ 2021માં ભારત આ યાદીમાં 86 ક્રમેથી સુધરીને 85 ક્રમે આવ્યુ હતુ. દુનિયામાં સૌથી વધુ ભ્રષ્ટ દેશમાં સોમાલિયા, સીરિયા અને દક્ષિણ સુદાનનો સમાવેશ થાય છે. તો સૌથી ઓછો ભ્રષ્ટાચાર થતો હોય તેવા દેશોમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ છે.
ભ્રષ્ટ રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. 2020 અને 2021માં પણ આ જ રાજ્યો ટોપ-3માં સામેલ હતા. સૌથી વધુ લાંચ જમીન, મહેસૂલ અને નોંધણી સંબંધિત બાબતોમાં છે. પોલીસ બીજા ક્રમે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજા ક્રમે આવે છે. અહીં લોકોએ મહત્તમ લાંચ આપવી પડે છે. લાંચની પદ્ધતિઓ વિશે વાત કરીએ તો, 71 ટકા કેસમાં લાંચ ભેટ અથવા રોકડના રૂપમાં આપવામાં આવે છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ‘કરપ્શન ઈન્ડેક્સ 2022’માં ભારત 40 પોઈન્ટ સાથે વિશ્વમાં 85મા ક્રમે છે.
મહારાષ્ટ્રમાં દોષિત ઠેરવવાનો દર માત્ર 8.2 ટકા છે
રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારીઓને દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો છે. અહીં લગભગ 92 ટકા કેસમાં આરોપીઓ દોષિત સાબિત થતા નથી. તેવી જ રીતે કર્ણાટકમાં પણ 63 ટકા આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા નથી. રાજસ્થાનમાં સ્થિતિ થોડી સારી છે, અહીં 51.2 ટકા કેસમાં આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવે છે. દેશની વાત કરીએ તો ભારતમાં ભ્રષ્ટાચારના 60 ટકા કેસોમાં દોષિત ઠરાવવામાં આવતો નથી.