એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સીમન અને વજાઈનલ ફ્લૂઈડ્સ વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ બીમારીને અનુલક્ષીને અનેક ગેરસમજો ફેલાયેલી છે. આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
જીવલેણ બીમારી એઇડ્સનો દેશમાં પહેલો કેસ 30 વર્ષ પહેલાં મળી આવ્યો હતો. છ સેક્સવર્કર્સના લોહીના નમૂનાની તપાસ દરમિયાન તેઓ એચઆઈવી પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
એક યુવા મહિલા વિજ્ઞાનીકના પ્રયાસને કારણે આ શક્ય બન્યું હતું.
આ 1985ની વાત છે. ચેન્નાઈ (એ સમયે મદ્રાસ)ની મેડિકલ કૉલેજનાં 32 વર્ષીય માઇક્રોબાયોલૉજીનાં વિદ્યાર્થિની સેલપ્પન નિર્મલા પોતાના થીસિસ માટે વિષય શોધી રહ્યાં હતાં. તેમના શિક્ષક અને માર્ગદર્શક સુનીતિ સોલોમોને સેલપ્પન નિર્મલાને એચઆઇવી એઇડ્સ માટે લોકોની તપાસ કરવાની સલાહ આપી હતી. અમેરિકામાં તો એઇડ્સના દર્દી શોધવાની ઔપચારિક શરૂઆત 1982માં થઈ ગઈ હતી.
ભારતીય લોકોને વિપરીત લિંગની વ્યક્તિ સાથે સંબંધ રાખવામાં, એક લગ્નમાં માનતા અને ભગવાનથી ડરતા લોકો ગણવામાં આવતા હતા. તામિલનાડુમાં ચેન્નાઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોને વધારે રૂઢિચુસ્ત સમાજ માનવામાં આવે છે, જ્યારે મુંબઈને સામાન્ય રીતે સ્વચ્છંદ શહેર ગણવામાં આવે છે. એ સમયે મુંબઈમાંથી પણ સંખ્યાબંધ સેમ્પલ એકઠાં કરવામાં આવ્યાં હતાં. તેની ચકાસણી પૂણેના વાયરોલૉજી સંસ્થાનમાં કરવામાં આવી હતી અને તેમાંથી એક પણ સેમ્પલ એચઆઈવી પૉઝિટિવ સાબિત થયું ન હતું.
નિર્મલાને તેમની મહેનતના પરિણામનો અંદાજ હતો, તેમાં કોઈ આશ્ચર્ય નથી.તેમણે કહ્યું હતું કે, “આ તપાસનું રિઝલ્ટ નૅગેટિવ આવશે તેવું મેં ડૉ. સોલોમોનને કહ્યું હતું.”જોકે, સોલોમોને પોતાની વિદ્યાર્થનીને પ્રયાસ કરવા માટે રાજી કરી લીધી હતી.
નિર્મલાએ મદ્રાસ જનરલ હૉસ્પિટલની મુલાકાતે વારંવાર જવાનું શરૂ કર્યું
નિર્મલા સેક્સવર્કર્સ, સમલૈંગિક લોકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ જેવા (જેમના પર એઇડ્સનું જોખમ વધારે હોય તેવા) 200 લોકોનાં સેમ્પલ્સ એકઠાં કરશે એવું નક્કી થયું હતું, પરંતુ એ કામ આસાન ન હતું.નિર્મલાએ અગાઉ બૅક્ટેરિયાથી થતી લેપ્ટોસ્પાઇરોસિસ નામની બીમારી બાબતે કામ કર્યું હતું. આ બીમારી કૂતરાં તથા ઉંદર જેવાં પ્રાણીઓને લીધે ફેલાય છે. નિર્મલા એઇડ્સ વિશે કશું જાણતા ન હતાંનિર્મલા સામે એક સમસ્યા એ પણ હતી કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવાં શહેરોમાં કુખ્યાત રેડ લાઇડ વિસ્તારો હતા, પરંતુ ચેન્નાઈમાં સેક્સવર્કર્સનું કોઈ નિશ્ચિત ઠેકાણું ન હતું.
તેથી તેમણે મદ્રાસ જનરલ હૉસ્પિટલની મુલાકાતે વારંવાર જવાનું શરૂ કર્યું હતું. એ હૉસ્પિટલમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીથી પીડાતી અનેક મહિલાઓની સારવાર કરવામાં આવતી હતી.નિર્મલાએ કહ્યું હતું કે, “મેં ત્યાં કેટલીક સેક્સવર્કર્સ સાથે દોસ્તી કરી હતી. એ લોકોએ મને કેટલીક અન્ય સેક્સવર્કર્સ બાબતે જણાવ્યું હતું. મેં તેમના ફોર્મ જોયાં ત્યારે તેના પર વી હોમ એવું લખ્યું હતું.””એ શબ્દનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે, તેનો અર્થ વિજિલન્સ હોમ થાય છે. વિજિલન્સ હોમમાં વેશ્યાઓ અને બેસહારા લોકોને અધિકારીઓની કેદમાં રાખવામાં આવે છે.”
એ સમયે અને આજે પણ દેશમાં ભીખ માગવાને અપરાધ ગણવામાં આવે છે. એ મહિલાઓની ધરપકડ કરીને તેમને કેદમાં મોકલવાની હતી, કારણ કે તેમની પાસે જામીન પર છૂટવા માટેના પૈસા ન હતા.તેથી નિર્મલાએ રોજ સવારે કામ પર જતાં પહેલાં રિમાન્ડ હોમ જઈને સેક્સવર્કર્સને મળવાનું શરૂ કર્યું હતું.સેક્સવર્કર્સનાં સેમ્પલ્સ લીધાં
પતિ વીરપ્પન રામામૂર્તિએ નિર્મલાને પ્રોત્સાહિત કર્યાં હતાંનિર્મલાનો ઉછેર એક નાના ગામમાં રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો. તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેઓ બે નાનાં સંતાનનાં માતા પણ હતાં.તેમણે કહ્યું હતું કે, “હું બહુ નવર્સ હતી અને તામિલ ભાષામાં વાત કરતી હતી. હું શાંતિસભર જીવન ઇચ્છતી હતી.”જોકે, પતિ વીરપ્પન રામામૂર્તિએ નિર્મલાને પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમણે નિર્મલાનો દરેક તબક્કે સાથ આપ્યો હતો.બસનું ભાડું બચાવવા માટે તેઓ ઘણી વાર નિર્મલાને સ્કૂટી પર રિમાન્ડ હોમ સુધી મૂકી જતા હતા. એ સમયે બન્નેએ પોતપોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમની પાસે બહુ પૈસા ન હતા.નિર્મલાએ ત્રણ મહિનામાં 80 સેમ્પલ્સ એકઠાં કર્યાં હતાં. તેમની પાસે હાથનાં મોજાં કે સલામતીનાં બીજાં કોઈ ઉપકરણ ન હતાં.બીજી તરફ સેક્સવર્કર્સને એ ખબર ન હતી કે તેમના લોહીનું પરીક્ષણ શા માટે કરવામાં આવી રહ્યું છે.
નિર્મલાએ કહ્યું હતું કે, “હું એઇડ્સની તપાસ કરી રહી છું એ તેમને જણાવ્યું ન હતું. એ બધી અભણ હતી અને મેં તેમને કહ્યું હોત તો પણ એઇડ્સ શું છે તેની ખબર તેમને પડવાની ન હતી. તેઓ એવું વિચારતા હતા કે, હું સેક્સ સંબંધી કોઈ બીમારીની તપાસ કરી રહી છું.”સોલોમોનનાં લગ્ન હ્રદય તથા ફેફસાનાં સર્જન સાથે થયાં હતાં. તેમણે તેમના પતિ તથા અન્ય લોકોની મદદ વડે નાનકડી લૅબોરેટરી બનાવી હતી.એ લૅબોરેટરીમાં સોલોમોન અને નિર્મલા સીરમને અલગ કરવાનું કામ કરતાં હતાં. એઇડ્સની તપાસ માટે આ પ્રક્રિયા મહત્ત્વની હોય છે. એ સેમ્પલ્સને સલામત રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી એટલે નિર્મલા તેને પોતાના ઘરના ફ્રીઝમાં રાખતાં હતાં.ચેન્નાઈમાં એલિસા ટેસ્ટિંગની કોઈ સુવિધા ન હતી. તેથી સોલોમોને સેમ્પલ્સનું પરીક્ષણ ચેન્નાઈથી 200 કિલોમીટર દૂર આવેલા વેલ્લોરની ક્રિશ્ચ્યન મેડિકલ કૉલેજમાં કરાવવાની વ્યવસ્થા કરી હતી.
એ કૉલેજના વાયરોલૉજી વિભાગના ડિરેક્ટર ડૉ. જેકબ ટી. જોને નિર્મલાની મદદ માટે પી. જ્યૉર્જ બાબુ અને એરિક સિમોસને કામે લગાડ્યા હતા.નિર્મલાએ કહ્યું હતું કે, “અમે સવારે સાડા આઠ વાગ્યે પરીક્ષણ શરૂ કર્યું હતું, વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે બપોરે ટી-બ્રૅક લીધો હતો. પાછાં ફર્યાં ત્યારે હું અને જ્યૉર્જ બાબુ સૌથી પહેલાં લૅબોરેટરીમાં ગયાં હતાં.”નિર્મલાએ ઉમેર્યું હતું કે, “જ્યૉર્જ બાબુએ ઢાંકણું ખોલીને તરત બંધ કરી દીધું હતું. તેમણે ચેતવણી આપી હતી કે તેની સાથે રમત કરશો નહીં, પરંતુ હું તેને જોઈ ચૂકી હતી. તેમાંથી છ સેમ્પલ પીળાં થઈ ગયાં હતાં. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું.”
એક મિનિટ પછી સિમોસ અંદર આવ્યા. તેમણે રિઝલ્ટ જોયું અને કહ્યું હતું કે, “આમાંથી કેટલાંક રિઝલ્ટ પૉઝિટિવ છે. હું દોડતી જોનને બોલાવવા ગઈ અને જોમ દોડીને રૂમ તરફ જ આવી રહ્યા હતા.”આ પૉઝિટિવ રિઝલ્ટના અસ્વીકારનો કોઈ અર્થ ન હતો. એ તો સ્પષ્ટ દેખાતું હતું. જોને નિર્મલાએ પૂછ્યું કે, “તમે એ સેમ્પલ્સ ક્યાંથી એકઠાં કર્યાં હતાં?”ચેન્નાઈ પાછાં ફરતાં પહેલાં જ નિર્મલા અને તેમના પતિએ આ વાત કોઈને નહીં કહેવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.રામામૂર્તિએ કહ્યું હતું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે આ બહુ ગંભીર બાબત છે. તેથી તેની વાત કોઈને કરશો નહીં.”
ચેન્નાઈ પાછાં ફર્યાં બાદ નિર્મલા ડૉ. સોલોમોનની ઑફિસે ગયાં હતાં અને તેમને આ વાત જણાવી હતી. એ પછી તરત સોલોમોન, બાબુ તથા સિમોસ સાથે વિજિલન્સ હોમ ગયાં હતાં. તેમણે એ છ મહિલાઓના સેમ્પલ્સ ફરીથી લીધાં હતાં.સિમોસ તે સેમ્પલ્સ લઈને અમેરિકા જવા રવાના થઈ ગયા હતા. અમેરિકામાં વેસ્ટર્ન પ્લોટ ટેસ્ટ બાદ નક્કી થઈ ગયું હતું કે એચઆઇવી વાઇરસ ભારત પહોંચી ગયો છે.આ ભયાનક સમાચાર ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચને આપવામાં આવ્યા હતા. તેની સાથે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી તથા તામિલનાડુના તત્કાલીન આરોગ્યમંત્રી એચ. વી. હાંડેને પણ તેની જાણકારી આપવામાં આવી હતી.હાંડેએ આ માઠા સમાચાર વિધાનસભામાં જણાવ્યા ત્યારે નિર્મલા અને ડૉ. સોલોમોન વિધાનસભામાં દર્શક ગૅલરીમાં બેઠાં હતાં.
શરૂઆતમાં તો લોકોએ આ સમાચાર પર વિશ્વાસ કર્યો ન હતો. કેટલાકે તેની તપાસ બાબતે સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાકે જણાવ્યું હતું કે, ડૉક્ટરોએ કોઈ ભૂલ કરી છે.સોલોમોન ગયા વર્ષે મૃત્યુ પામ્યાં હતાં. લોકોએ ખાસ કરીને તેમની ટીકા કરી હતી, કારણ કે સોલોમોન મહારાષ્ટ્રનાં વતની હતાં.સોલોમોનને પુત્ર સુનીલે કહ્યું હતું કે, “લોકો ખરેખર બહુ રોષે ભરાયા હતા. તેઓ કહેતા હતા કે એક ઉત્તર ભારતીય મહિલા અમને ખરાબ ગણાવી રહી છે, પરંતુ મારાં માતા સહિતના તમામ લોકો તેનાથી આશ્ચર્યચકિત હતા.”
બીજી તરફ પરીક્ષણનું પરિણામ બહાર આવ્યા બાદ તમામ સરકારી અધિકારીઓમાં ધમાચકડી થઈ ગઈ હતી.નિર્મલાએ કહ્યું હતું કે, “આઇસીએમઆરના ડિરેક્ટરે મને કહ્યું હતું કે આ પરિણામ તો એક વિશાળ પહાડનો નાનકડો ટુકડો માત્ર છે. આપણે આ દિશામાં ઝડપભેર કામ કરવું પડશે.”એ પછી અધિકારીઓએ તપાસ તથા એઇડ્સને અટકાવવાનો કાર્યક્રમ મોટા પાયે શરૂ કર્યો હતો.થોડાં વર્ષ પછી એઇડ્સ ભારતમાં મહામારી બની ગયો હતો અને દેશને દરેક ખૂણામાં ઝડપભેર ફેલાવા લાગ્યો હતો.
ભારતમાં એચઆઇવી સંક્રમિત લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે હોવાનું વર્ષો સુધી માનવામાં આવતું હતું.તે બાવન લાખ હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ 2006માં બહાર પાડવામાં આવેલા નવા આંકડા મુજબ, એવા લોકોનું પ્રમાણ અંદાજે 26 લાખ હોવાનું જણાવવામાં આવ્યું હતું.આજે પણ દેશમાં 21 લાખથી વધુ લોકો એચઆઈવી સંક્રમિત છે અને આ જીવલેણ બીમારીનો કોઈ ઇલાજ નથી.
બીજી તરફ નિર્મલા ફરીથી પોતાના અભ્યાસમાં જોડાઈ ગયાં હતાં. તેમણે તેમના થીસિસ માટે જરૂરી 200 પૈકીનાં 100 સૅમ્પલ્સ એકઠાં કરવાના બાકી હતાં. એ પછી પણ તેઓ સેક્સવર્કર્સ તથા કેદીઓ માટે રિમાન્ડ હોમની મુલાકાત લેતાં રહ્યાં હતાં.તેમણે ‘સર્વેલન્સ ફૉર એઇડ્સ ઇન તામિલનાડુ’ શીર્ષક હેઠળ પોતાનો થીસિસ માર્ચ-1987માં સબમિટ કર્યો હતો. પરીક્ષામાં પાસ થયાં અને ચેન્નાઈની કિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનના વૅક્સિન પ્રોડક્શન પ્રોગ્રામમાં નોકરી શરૂ કરી હતી. એ નોકરીમાંથી તેઓ 2010માં નિવૃત્ત થયાં હતાં.
મેં તેમને પૂછ્યું હતું કે, “તમારા આટલા મોટા કામની કદર કોઇએ ન કરી તેનું તમને ક્યારેય દુઃખ થાય છે?”નિર્મલા જવાબ આપે છે, “મારું લાલનપાલન એક ગામમાં થયું છે. ત્યાં કોઈ નથી જે આ રીતના સમાચાર પર ઉત્સાહિત થાય કે નિરાશ. હું ખુશ છું કે મને સમાજ માટે કંઈક કરવાનો મોકો મળ્યો છે.”