ધો.8 તથા ધો.9 થી 11ના અંદાજે દોઢ લાખ છાત્રોને એઇડસની જનજાગૃતિમાં આવરી લેવાશે
1લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસે સમગ્ર વિશ્ર્વમાં વિવિધ આયોજન થઇ રહ્યા છે. તયારે આપણા દેશમાં પણ એન્ડ એઇડસ-2030 સંદર્ભે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી સક્રિય કાર્ય કરતી એઇડસ પ્રિવેન્સન કલબ વિવિધ આયોજન કરીને શહેરમાં જનજાગૃતિનું મેધધનુષ્ય રચાશે. સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ આ દિવસે રાજકોટને રેડ રિબન નગર બનાવવા અનુરોધ કર્યો છે.
1લી ડિસેમ્બરે સવારે 9 કલાકે શહેર-જીલ્લાની ર450 થી વધુ શાળાના ધો. 8 તથા ધો. 9 થી 1ર ના છાત્રો પોતાની શાળામાં એઇડસ જનજાગૃતિનો સિમ્બોલ ‘રેડ રિબન’ નિર્માણ કરશે. જેમાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 930 શાળાના દોઢ લાખ છાત્રો, જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 570 તથા ખાનગીના 14 હજાર છાત્રો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 85 શાળાનાં 4108 ધો. 8 ના છાત્રો સહીતના છાત્રો જોડાશે. વિજ્ઞાન શિક્ષક એઇડસ વિષયક વાત કરશે.
સમગ્ર આયોજનમાં જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધમેન્દ્રભાઇ સરડવા અને શાસનાધિકારી કીરીટસિંહ પરમારનો સહયોગ મળ્યો છે.દરેક શાળાને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે દરેક શાળા કાર્યક્રમ યોજીને તેનો ફોટોગ્રાફસ સાથેનો અહેવાલ પણ આપશે. દર વર્ષે યોજાતા આ આયોજન થકી ધો. 8 થી 1ર ના છાત્રોમાં એઇડસ જનજાગૃતિની સારી અસર જોવા મળી છે તેમ સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ જણાવ્યું છે.