રવિવારની રજાના દિવસે પણ ૧૪૦ શિક્ષકો સ્વ-ખર્ચે વર્કશોપમાં હાજર રહ્યા
વર્ગખંડ માં આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને આધુનિક સિસ્ટમથી શિક્ષણ આપવા અંગે મોરબીમાં ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.જેમાં મોરબી જિલ્લાના ૧૪૦ શિક્ષકોએ સ્વખર્ચે હાજર રહી શિક્ષણની ગુણવતા સુધારવાના ભગીરથ કાર્યમાં જોડાયા હતા.
મોરબી જિલ્લાના શિક્ષક સંઘનાં સહયોગથી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના તજજ્ઞ શિક્ષકો ચંદનભાઈ રાઠોડ, દેવરાજભાઈ પરમાર, નિકુંજભાઈ સવાણી, કલ્પેશભાઈ ચોટલીયા તેમજ મોરબીના શિક્ષક મનન બુધ્ધદેવ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ટેક્નોલોજીનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તેમજ બ્લોગ, યુ ટ્યુબ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, ક્વિઝ ક્રિએટ, વીડીયો મેકીંગ વગેરે વિષયોનો પરિચય આપી શીખવવામાં આવ્યા હતાં.
વધુમાં વર્કશોપમાં રવાપર તાલુકા શાળા ખાતે ડિજીટલ સ્માર્ટ ક્લાસનો ડેમો આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૧૪૦ શિક્ષકોએ રવિવારની રજામાં પણ સ્વખર્ચે હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં જી.પી.એસ.સી. પાસ કરી વી.સી.હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક પામેલા શ્રી ભરતભાઇ વિડજાનું નાયબ જિલ્લા પ્રા.શિ.અધિકારી સી.સી.કાવરનાં હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.