બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો તથા છુટક મજુરી કરતા શ્રમિકો માટેની ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેની નોંધણી હાર્ડકોપીમાં કરવામાં આવતી હતી. પરંતુ બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા મજુરોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડની નોંધણી સરળતાથી થઇ શકે તથા આ માટે જિલ્લા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીએ રૂબરૂ જવું ન પડે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ સમગ્ર પ્રકિયા ઓનલાઇન કરવાનો શુભારંભ કરાયો છે. રાજયના 10 લાખથી વધુ શ્રમિકોને અનેક યોજનાઓનો લાભ મળશે.
બાંધકામ ક્ષેત્રે કાર્યરત અસંગઠીત શ્રમિકનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજય બન્યું છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાઓની અમલવારી માટે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા મજુરોને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા જરુરી ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ હવેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા થઇ શકશે.
આ માટે બાંધકામ ક્ષેત્રે કડીયાકામ, પ્લમ્બીંગકામ, સુથારીકામ, કલરકામ જેવા વિવિધ કામોમાં છુટક મજુરી કરતા તમામ જ્ઞાતિ –જાતિના શ્રમિકો પોતાના સ્માર્ટફોન દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંથી સાધનિક કાગળો જેવા કે પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, અરજદાર શ્રમિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, રેશનકાર્ડ, બેંક પાસબુક/ કેન્સલ ચેકની નકલ ચુંટણીકાર્ડ, બાંધકામ શ્રમિક ક્ષેત્રે 90 દિવસથી વધુ સમય સુધી કામ કરેલ હોય તેના પુરાવા, સ્વયં પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર વગેરે જોડવાના રહેશે. આ તમામ પુરાવા રજૂ કર્યેથી નોંધણી કરાવનાર શ્રમિકને ટુંક સમયમાં જ ઇ-નિર્માણ અને યુ-વિન કાર્ડ વિનામૂલ્યે મળી રહેશે.
આ ઉપરાંત હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ હોઇ આ શ્રમિકોના બાળકોને ધો.1 થી લઇને ડોકટર અને એન્જીનીયર સુધીના ઉચ્ચાભ્યાસ અર્થે રૂા. 500 થી 25,000 સુધીની શિક્ષણ સહાય અને રૂા. 5000 હોસ્ટલ ફી તથા રૂા. 5000 પુસ્તકોની સહાય પણ મળવા પાત્ર થાય છે. જે માટેના ફોર્મ આ જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી ખાતે ભરવાના શરૂ થઇ ગયેલ છે. આથી તમામ પાત્રતા ધરાવતા શ્રમિકોએ આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે. આ માટે સત્ર શરૂ થયાના 90 દિવસમાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત યુ-વીન કાર્ડ અંતર્ગત અકસ્માત જુથ વીમા યોજના, આરોગ્ય લક્ષી મા-અમૃતમ અને પીએમ-જેએવાય યોજના, શ્રમિક અન્નપુર્ણા યેાજના તથા સરકારીના વિવિધ વિભાગોના અમલી યોજનાઓના લાભો મળી શકે છે. જયારે ઇ-નિર્માણ કાર્ડ અંતર્ગત શ્રમિક અન્નપુર્ણા યેાજના, પ્રસૂતિ સહાય, શિક્ષણ સહાય, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, બાંધકામ શ્રમિકો માટે મેડીકલ હેલ્થ યુનીટ (ધન્વંતરી રથ) નો લાભ, વ્યાવસાયીક રોગોમાં સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ઠિ સહાય, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના તળે આવાસ માટેની સહાય, સ્થળાંતરીત શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સુવિધા, શ્રમિક પરીવહન યોજના, હાઉસીંગ સહાય યોજના, વૃધ્ધાવસ્થા પેન્શન યોજના, બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર યોજના તથા કોરોના મહામારી સંદર્ભે કોરોના કવચ યોજનાનો લાભ મળી શકે છે.