શ્રમિકોને બસ પરિવહન ખર્ચ ઘટાડવા મળશે મદદ
મકાન અને બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડે જાહેર કરી યોજના
રાજયમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકોને એસ.ટી.બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાવવાની સરકારે યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ શ્રમિક શહેર વિસ્તારમાં મુસાફરી કરી શકશે. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિક ગમે ત્યાં રહેતા હોય અને નજીકના સ્થળે કામે જવા આવવા માટે એસ.ટી.બસનો ઉપયોગ કરતા થાય અને આર્થિક રીતે પણ પરવડે એટલા માટે સરકાર બસ ભાડામાં ૮૦ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે શ્રમિકો માસિક તથા ત્રિમાસિક પાસ કઢાવી શકશે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડે આ યોજના અમલી બનાવી છે. રાજયમાં લોકડાઉન બાદ હવે બાંધકામ પ્રવૃતિ પણ વેગ પકડી રહી છે અને મોટા શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાંધકામ શરૂ થઈ રહ્યા છે. બાંધકામ ક્ષેત્રમાં રાજયના હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે.
શ્રમિકોને પોતાના રહેઠાણથી કામ ધંધાના સ્થળે જવા આપવામાં સરળતા રહે અને આર્થિક રીતે પણ પરવડે એ હેતુથી રાજય સરકારે બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને બસભાડામાં ૮૦ ટકા રાહતના પાસ કાઢી આપવાનો નિર્ણય લીધો છે. આથી બસ ભાડાના થતા નિયત દરમાં ૮૦ ટકા રાહત અપાશે એટલે શ્રમિકો માત્ર ૨૦ ટકા ભાડુ જ આપવાનું રહેશે. શ્રમિક મનપસંદ પાસ યોજના હેઠળ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકોને આ પાસ માસિક અથવા ત્રિમાસિક આપશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના એસીએસ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું. હાલમાં આવા પાસ પ્રથમ અમદાવાદમાં અને બાદમાં વડોદરા, સુરત અને રાજકોટમાં કાઢી આપવામાં આવશે.
અત્રે એ યાદ આપીએ કે રાજયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ૮૦ ટકા બસ પરિવહન સહાય અપાય છે જયારે વિદ્યાર્થીનીઓને ૧૦૦ ટકા સહાય અપાય છે. જયારે કર્મચારી, વેપારીઓ કે અન્ય કોઈને માસિક પાસ યોજના, ત્રિમાસિક પાસ યોજના હેઠળ બસ ભાડામાં ૫૦ ટકા રાહત આપી છે.