ઓપરેટરને એક રાજકીય કાર્યકરે પિસ્તોલ દેખાડતાં હડતાલ પાડી દીધી હોવાની ચર્ચા: જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર અને ચંપકભાઈ વોરા ડિસ્પેન્સરીમાં સવારે કલાકો સુધી ઓપરેટરો ન ડોકાયા
હાલ મહાપાલિકાનાં અલગ-અલગ ચાર આરોગ્ય કેન્દ્રમાં માં વાત્સલ્ય અને માઁ અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બે દિવસ પૂર્વે ઓપરેટરને વહેલો વારો લઈ લેવાની બાબતે એક રાજકીય પક્ષનાં કાર્યકરે પિસ્તોલ ટાંકી ધમકી આપ્યાનાં વિરોધમાં આજે સવારે ઓપરેટરો વિજળીક હડતાલ પર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે કે, જોકે આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકર અને નાયબ આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણી આવી કોઈ જ ઘટના બની ન હોવાનું જણાવી રહ્યાં છે. બે આરોગ્ય કેન્દ્રમાં કચેરી ખુલ્યાનાં કલાકો સુધી ઓપરેટરો ન ડોકાતા અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ માં વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડ માટે લોકોની સારી એવી ભીડ રહેલી છે. અલગ-અલગ રાજકીય પક્ષોનાં કાર્યકરો અને આગેવાનો પોતાનાં લાગતા-વળગતાઓનો વારો વહેલો લઈ લેવા માટે ઓપરેટરો પર સતત દબાણ કરતાં હોય છે. આવામાં બે દિવસ પૂર્વે એક રાજકીય પક્ષનાં કાર્યકરે પોતાનાં લાગતા-વળગતાનો વારો વહેલો લેવા માટે ઓપરેટરને ધમકી આપી હતી અને પિસ્તોલ પણ ટાંકી હતી જેનાં વિરોધમાં આજે માં વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડનાં ઓપરેટરો વિજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. ૪ આરોગ્ય કેન્દ્ર પૈકી ચંપકભાઈ વોરા ડિસ્પેન્સરી અને જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે કચેરી ખુલ્લી ગયા બાદ દોઢ કલાક સુધી ઓપરેટરો ડોકાયા ન હતા. ઓપરેટરો બપોર બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને પણ આ અંગે રજુઆત કરવાનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકર અને નાયબ આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણીએ આવી કોઈ જ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું અને સર્વર કનેકટીવીટીની સમસ્યાનાં કારણે સવારે બે આરોગ્ય કેન્દ્રો ખાતે કામગીરી થોડા સમય માટે બંધ હોવાનો ખુલાસો કર્યો હતો જોકે કોર્પોરેશનની લોબીમાં ચાલતી ચર્ચા મુજબ માઁ વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડનાં ઓપરેટરો આજે હડતાલ પર ઉતરી ગયા હતા જેનાં કારણે સવારે બે આરોગ્ય કેન્દ્ર ખાતે સમયસર કામગીરી શરૂ થઈ નથી.