બંને રાજયના શ્રમિકોને કલેકટરની લીલીઝંડી: સ્વખર્ચે વાહન વ્યવસ્થા કરી અને મેડિકલ ચેકઅપ કરાવી શ્રમિકોને પોતાના વતન જવાની છુટ

બીજા રાજ્યો સાથે પણ ચર્ચા વિચારણા બાદ તેમના શ્રમિકોની પણ ઘરવાપસી થવા દેવાશે

રાજકોટ જિલ્લામાં ઓડિસા અને મધ્યપ્રદેશના શ્રમિકોને પોતાના વતનમાં જવાની મંજૂરી આપવાનું કલેકટર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બન્ને રાજ્યના લોકો સ્વખર્ચે વાહન વ્યવસ્થા કરી અને મેડિકલ ચેકઅપ કરાવી પોતાના વતન જવાની છુટ આપવામાં આવી રહી છે. હાલના તબક્કે માત્ર આ બન્ને રાજ્યના શ્રમિકોને મંજૂરી આપવામાં આવી રહી હોવાનું કલેકટર દ્વારા જાહેર કરાયું છે.

કોરોનાની મહામારીના કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો આજરોજ રેડમાંથી ઓરેન્જ જાહેર થયો છે. આ દરમિયાન આજથી કલેકટર તંત્ર દ્વારા જે શ્રમિકો રાજકોટ જિલ્લામાં ફસાયેલા હોય તેમને તેમના વતન જવા દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ તો ઓડિસ્સા અને મધ્યપ્રદેશ આ બન્ને રાજ્યના જ શ્રમિકોને પોતાના વતન જવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, પોતાના વતન જવાની મંજૂરી મેળવવા માટે કલેકટર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, પોતાના વતન જવા લોકોએ ફરજિયાતપણે મેડિકલ ચેકઅપ કરાવવાનું રહેશે અને વતન જવા માટે સ્વખર્ચે વાહનની વ્યવસ્થા કરવાની રહેશે. આ ગાઈડ લાઈનને અનુસરી માત્ર ઓડિસ્સા અને મધ્યપ્રદેશ આ બન્ને રાજ્યના લોકોને જ પોતાના વતનમાં જવા દેવામાં આવી રહયાં છે. જો કે આ અંગે કલેકટરે જાહેર કર્યું છે કે, આ બન્ને રાજ્ય સાથે વાટાઘાટો મુજબ તેમના શ્રમિકોને પરત વતન જવા દેવામાં આવી રહ્યાં છે. આવનાર દિવસમાં અન્ય રાજ્યોના શ્રમિકોને છુટછાટ આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બહારના રાજ્યમાંથી આવીને અહીં વસતા શ્રમિકો પોતાના વતન જવાની વાટે હતા. શરૂઆતમાં તંત્ર દ્વારા જ તેઓને વતન જવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ બાદમાં બાકી રહેલા શ્રમિકોએ પગપાળા પોતાના વતન જવાની શરૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આ તમામ લોકોને અટકાવી જે તે સ્થળે રોકી દેવામાં આવ્યા હતા અને પરત તેમના કામના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. હવે સરકાર દ્વારા આદેશો મળતા તંત્રએ બે રાજ્યોના શ્રમિકોને પોતાના વતન જવાની છુટ આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.