- દુર્ઘટના બાદ ચોટીલા પ્રાંત અધિકારી-મામલતદારોની ટીમે સંયુક્ત દરોડો પાડી ખનીજચોરી ઝડપી: રૂ.11.70 લાખનો મુદ્દામાલ કબ્જે
સુરેન્દ્રનગર પંથકમાં બેફામ ચાલતી ખનીજચોરીએ અગાઉ અનેક શ્રમિકોનો ભોગ લીધા બાદ વધુ એક શ્રમિક મોતના મુખમાં ધકેલાયાનો બનાવ સામે આવ્યો છે. મુળી તાલુકાના વગડીયા ગામની સીમમાં આવેલ ખાનગી તેમજ સરકારી માલીકીની જમીનમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેમજ સીમમાં આવેલ કાર્બોસેલના કુવામાં એક શ્રમીકનું મોત નીપજ્યું હોવાના મેસેજને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મુળી મામલતદાર અને થાન મામલતદાર સહિતની ટીમે સંયુક્ત રીતે વગડીયા ગામની સીમમાં મોડી રાત્રે સરપ્રાઈઝ રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન તેમજ ખોદકામ દરમ્યાન એક શ્રમીકનું ભેખડ ધસી પડતા
મોત નીપજ્યું હોવાનું માલુમ પડતા આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ મુળી તાલુકાના વગડીયા ગામની સીમમાં આવેલ ખાનગી માલીકીની જમીનમાં ખનન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા તેમજ મુળી અને થાન મામલતદાર સહિતની ટીમે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પર થી બે ચરખી મશીન, લોખંડના પાઈપ, કાર્બોસેલ ભ2વાના લોખંડના બે બકેટ, અંદાજે 150 ટન કાર્બોસેલ, અંદાજે 1000થી 1100 ટન કાળી માટી, પાણી કાઢવાનું સબમર્શીબલ પંપ, ડિઝલ મશીન સહિત અંદાજે રૂા. 11.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વધુ તપાસ દરમ્યાન જે કુવામાંથી ખનન કરવામાં આવ્યું હતું તેની ઉંડાઈ અંદાજે 150 ફુટ હોવાનું તેમજ કાર્બોસેલનું ખનન ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ કોઈપણ જાતના સેફટીના સાધનો રાખ્યા વગર જીવના જોખમે તેમજ શ્રમીકોની જીંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા હોવાનું પણ જણાઈ આવ્યું હતું.
જ્યારે સ્થળ પરથી ગેરકાયદેસર લાયસન્સ વગરના વપરાયેલ ડીટોનેટરના ત્રણ ખાલી બોક્ષ મળી આવ્યા હતા અને ગેરકાયદેસર વિજ કનેકશન લઈ કાર્બોસેલનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ જમીન માલીક ચતુરભાઈ મોહનભાઈ કોળી હોવાનું જણાઈ આવતા જમીન મહેસુલ અધિનિયમ, ખાણ ખનીજ, લેબર એક્ટ, એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, એક્સક્લુઝીવ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, સેફટી એક્ટ વગેરે નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે જ્યારે ગેરકાયદેસર ખનીજ ચોરીની રેઈડને પગલે ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
જ્યારે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન વગડીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમ્યાન ગોપાલભાઈ ભુરાભાઈ પનારા નામના શ્રમીકનું ભેખડ ધસી પડતા દટાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું અને પરિવારજનો દ્વારા મૃતક શ્રમીકના મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા વધુ તપાસ કરતા ભેખડ ધસી પડતા મૃત્યુ પામેલ યુવક વગડીયા ગામના પૂર્વ સરપંચ ભુરાભાઈ પનારાનો પુત્ર ગોપાલભાઈ હોવાનું બહાર આવ્યું હતું અને શ્રમીકના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.