કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ નાના મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. આ તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબત પર ભાર મુકી રહેલા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે નિર્માણાધીન થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ સાઈટ અને “આઈ-વે પ્રોજેક્ટ” હેઠળ 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે કાર્યરત્ત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની પણ મુલાકાત લીધી હતી. જ્યારે આજી ડેમ સાઈટ પાસે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બની રહેલા “રામ વન” (અર્બન ફોરેસ્ટ) પ્રોજેક્ટ્સ સાઈટ્સ ખાતે મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનરે મુલાકાત કરી હતી.
આજે કમિશનરે સર્વપ્રથમ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ સાઈટની મુલાકાત લીધી હતી. ત્રણેય રસ્તા પર બ્રિજની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે તેની માહિતી મેળવી હતી. સાથોસાથ તેમણે આ બ્રિજનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય એ માટે રાત્રે પણ કામગીરી ચાલુ રાખવા રીસોર્સીઝ અને મેનપાવર વધારવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કમિશનરે આ સાઈટને પણ તાકીદે સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી જણાવ્યું હતું.
મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજી ડેમ સાઈટ નજીક આવેલ “રામ વન” (અર્બન ફોરેસ્ટ)ની વિઝિટ કરી હતી. કુદરતી સુંદરતા ધરાવતા આ નયનરમ્ય સ્થળના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રામ વનમાં થયેલા આંતરિક રસ્તાઓ અને પાણીની લાઈનોના કામ સહિતની વિગતો મેળવી કમિશનરે બાકીના અન્ય કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી આ ઉપરાંત “રામ વન” જુદાજુદા સ્થળોએ “રામ વન” થીમ આધારિત વિવિધ સ્કલપ્ચર પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરી ક્વાલીફાય થનાર એજન્સીને કામ સોંપી દેવા પણ સૂચના આપી હતી.
ત્યારબાદ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે રાજકોટ મહાનગરપાલિકાનાં “આઈ-વે પ્રોજેક્ટ” હેઠળ કાર્યરત્ત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. શહેરભરમાં લગાવવામાં આવેલા 950થી વધુ સીસીટીવી કેમેરા વડે સર્વેલન્સની જે કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો મેળવ્યા બાદ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા શહેર પરના સર્વેલન્સના વ્યાપમાં મહત્તમ વધારો થાય તે માટે આયોજન કરવા સૂચના આપી હતી.