જૂનાગઢ મહાનગરમાં વિકાસના કામોને અધિકારીઓના કારણે બ્રેક લાગી હોવાનાં આક્ષેપ અને રોશભેર હૈયા વરાળ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના બંધબારણે કમિટીના સદસ્ય દ્વારા કાઢવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એક વાત મુજબ આજે સ્ટેન્ડિંગ કમિટીના મોટાભાગના સભ્યોએ અધિકારીઓને આડા હાથે લીધા હતા અને કડક શબ્દોમાં ન સંભળાય તેવી ભાષામાં સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી કે કામ કરો, અમારે જૂનાગઢ મહાનગરના લોકોને મોઢા બતાવવા છે, તમારા કારણે કામો ન થતાં હોવાથી ભાજપની બોડી બદનામ થઈ રહી છે.
આજે જૂનાગઢ મહાનગરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એ પૂર્વે સંકલન સમિતિની બેઠક થઇ હતી જેમાં જૂનાગઢ મહાનગર માં શાસક બોડી દ્વારા વિકાસના જે કામો કરવા જોઈએ તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ અધિકારીઓની આળશ કે આડોડાઈને કારણે આ કામગીરી ન થતી હોવાની ચર્ચાઓ મુખ્ય રહી હોવાનું બહાર આવ્યું છે.
દરમિયાન સંકલન સમિતિની મિટિંગ બાદ જૂનાગઢના મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે તમામ શાખા અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહયા હતા. આ દરમિયાન કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર ભરવામાં આવે છે અને 30 થી 40 ટકા નીચા ભાવે કામો રાખવામાં આવે છે પરંતુ આવા કોન્ટ્રાકટરો દ્વારા કામ પૂર્ણ કરવામાં આવતા નથી. આવા કોન્ટ્રાક્ટરો કામ ન કરતા હોય તો કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ માં મુકવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા સખત શબ્દોમાં શાખા અધિકારીને જણાવવામાં આવ્યું હતું. આ સિવાય જે અન્ય કામો નથી થતા તેમાં માત્ર નોટિસ આપવામાં આવે છે પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી આવા લોકો આપણા મામાં – માસીના દીકરા નથી થતા ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેેવું પણ શાખા અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું.
જોકે એકાદ મનપાના સિનિયર કક્ષાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે લોકો અમને પૂછે છે અમારે જવાબ શું દેવાા અમારે લોકોનેે મોઢા બતાવવા છેે. ગામમાં રોડ ઉપર લહેરો લાગી નથી, ગટરના ઢાંકણા ઊંચા અને ખુલ્લા છે.આવી અનેક સમસ્યાઓ જૂનાગઢમાં છે અને અનેક ફરિયાદો ઉઠી રહી છેે. ત્યારે આ કામ તાત્કાલિક કરો, બાકી કોક ઘરે આવીને ટાંટિયા ભાંગી નાખશેે. આ હદ સુધીના આજે શબ્દો જૂનાગઢ મનપાના અધિકારીઓને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ બંધ બારણે સંભળાવી દીધા હોવાનું બહાર સંભળાઈ રહ્યું છે