નર્મદા: શેહરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વરા આયુષ્માન ભારત પ્રાધાન મંત્રી જન આરોગ્ય યોજના અમલી બનાવાઈ છે. જેમાં પરિવાર દીઠ રૂપિયા 10 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી નાગરિકો દવાખાના અને હોસ્પિટલનાં ખર્ચથી ગભરાતા નથી, કારણ કે આયુષ્માન કાર્ડ હવે નાગરિકોના સ્વાસ્થ્ય માટે પુરતું છે. ભારત સરકાર દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પારવાના ઉદ્દેશ સાથે વયવંદના કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે અને તેના દ્વારા તેઓ વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, જીલ્લામાં હાલના તબક્કે વય વંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષથી વધુ વયના કુલ 19811ના લક્ષ્યાંક સામે કુલ 18310 આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ગ્રામ્ય/શહેરી કક્ષાએ વિવિધ આરોગ્યની ટીમો દ્વારા પુર્ણ કરવામાં આવી છે. આરોગ્યની ટીમો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચીને સરળતાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેથી નર્મદા જીલ્લામાં અત્યાર સુધીમાં આયુષ્માન 70+ વય વંદના કાર્યક્રમ અંતર્ગત 92.42 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેલ કુલ 1501 વયસ્કોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી.ની કામગીરીના કારણે આયુષ્માન કાર્ડ બનાવવાના બાકી રહ્યા છે. આ કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની ટીમો સંલગ્ન ડીપાર્ટમેન્ટના સંકલનમાં રહીને ટુંક સમયમાં પુર્ણ કરવામાં આવનાર છે.