જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રોજેકટની માહિતી મેળવી

અમદાવાદ-રાજકોટ વચ્ચે સતત વાહન વ્યવહાર વધી રહ્યો છે. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે તો રાજકોટ સૌરાષ્ટ્રની આર્થીક રાજધાની છે. બંને શહેરો પરિવહનની સેવા વધુ સુદ્દઢ બને તે માટે હાલ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેને સિકસલેન બનાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન રાજકોટથી બામણબોર સુધી  30.58 કિ.મી. રોડને સિકસલેન કરવાનું કામ આગામી વર્ષના અંત સુધીમાં પરિપૂર્ણ થઈ જશે.

રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇ વે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં  રાજકોટ- અમદાવાદ નેશનલ હાઇ વે પર ચાલી રહેલા છ માર્ગીય (સીકસ લેન)નું કામ પ્રગતિ હેઠળ છે. રાજકોટ થી બામણબોર સુધીના 30.58 કિ.મી.ના રસ્તાનું કામ ડીસેમ્બર  સુધીમાં પુર્ણ કરવા સુચના  આપવામાં આવી હતી.

કલેકટરએ નેશનલ હાઇવે ઓથોરીટી અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે  છ માર્ગીય રસ્તાના પ્રોજેકટની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટરએ અત્યાર સુધી થયેલી કામીગીરી અને હાથ ધરવાની અન્ય કામગીરી અંગે વિગતો જાણી આ કામ ઝડપથી પુર્ણ થાય તે માટે ડીસેમ્બર  સુધીમાં બે ફલાય ઓવર સિવાયની કામગીરી પુર્ણ કરવા ઉપસ્થીત રહેલા એજન્સીના કોન્ટ્રાકટર અને અધિકારીઓને  જણાવ્યું હતું.

હિરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સુધી હાઇ વે પરથી જવા માટે કેટલીક કામગીરી નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક છે. જેમાં હિરાસર એરપોર્ટ ફલાયઓવર ટેન્ડર પ્રકિયા નવેમ્બર સુધી પુર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ એક વર્ષમાં કામ પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેકટર  કેતન ઠકકર, નેશનલ હાઇવેના કાર્યપાલક  ઇજનેર  એચ.યુ. પટેલ સહિતના અધિકારીઓ અને એજન્સીના કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહયા હતા.

રાજકોટથી અમદાવાદ સુધીના નેશનલ હાઈવેને સિકસ લેનમાં  પરિવર્તીત કરવાથી રાજયના બંને મુખ્ય શહેરો વચ્ચે આવન-જાવનનો સમય બચ્ચી જશે. રાજય સરકાર પણ આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે  દિશામાં સક્રિયતાથી કામગીરી કરી રહી છે. હિરાસર ખાતે નવું એરપોર્ટ બની રહ્યું છે. ત્યારે આ રોડ ખૂબજ મહત્વનો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.