મુખ્યમંત્રીએ હેલિપેડ, રન-વે અને બ્લોક કનવર્ટિંગ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની ભાગોળે આકાર લઇ રહેલા આંતરરાષ્ટ્રીય હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવ્યા હતા. તેમજ હેલીપેડ, રન-વે અને બ્રિજ નિર્માણ, બોક્સ કલવર્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ સુત્રોમાંથી જાણવા મળ્યું કે અગાઉ ઓગસ્ટમાં એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવાનો આદેશ અપાયો હતો. પણ ત્યાં સુધીમાં માત્ર ફ્લાઇટ લેન્ડિંગ ટેસ્ટ જ થઈ શકે તેમ છે.
બાકી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં ડિસેમ્બર થઈ જાય તેવી શકયતા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતાં કલેકટર અરુણ મહેશ બાબુએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હિરાસર એરપોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. કલેકટરએ ફાયર સ્ટેશન, એ.જી.એલ. સબ સ્ટેશન, એમ.ટી.પુલ, એ.ટી.સી. સહિતના કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ તમામ કામોની વર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. હિરાસર એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેરજર લોકનાથે મુખ્યમંત્રીને સાઈટ પર થયેલી અત્યાર સુધીની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની હીરાસર મુલાકાતના પ્રારંભે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું.