નાના મવા સર્કલ અને રામાપીર ચોકડીએ સાયકલ ટ્રેક તોડી સર્વિસ રોડ બનાવવા લેવલીંગની કામગીરી પૂર્ણતાના આરે: યુટીલીટી શીફટીંગ પણ પુરજોશમાં ચાલુ: કે.કે.વી ચોકથી કોટેચા ચોક સુધી સેન્ટ્રલ લાઈટીંગ પોલ ફેરવાયા: સિવિલ હોસ્પિટલ ચોકમાં જામનગર રોડ અને ત્રિકોણબાગ તરફ પીલર ઉભા કરવાની કામગીરી ચાલુ
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા હાલ અલગ અલગ રાજમાર્ગો પર બ્રીજ બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર નિર્માણ પામી રહેલા ત્રણ ઓવરબ્રીજના કામ માટે યુટીલીટી શીફટીંગ અને સર્વિસ રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તો સિવિલ હોસ્પિટલ ચોકમાં બની રહેલા ટ્રાયેંગલ ઓવરબ્રીજની કામગીરીમાં પણ સારી એવી પ્રગતિ જોવા મળી રહી છે.
કે.કે.વી. ચોક
આ અંગે મહાપાલિકાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ કાલાવડ રોડ પર નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવાના કામ માટે બીઆરટીએસ રૂટ પર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક તોડવાની કામગીરી ચાલી રહી છે અને સર્વિસ રોડના લેવલીંગની કામગીરી હાથ પર લેવામાં આવી છે. અહીં ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન અને ઈલેકટ્રીક લાઈન સહિત યુટીલીટીના શીફટીંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી જે એકાદ પખવાડીયામાં પૂર્ણ કરતાની સાથે જ બ્રીજની મુખ્ય કામગીરી શરૂ કરવામાં આવશે અને રોડ બંધ કરી દેવાશે તથા સર્વિસ રોડ શરૂ કરી દેવામાં આવશે.
રામાપીર ચોક
કાલાવડ રોડ પર પણ કે.કે.વી ચોક ખાતે હયાત ઓવરબ્રીજ પર મલ્ટી લેવલ બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના સર્વિસ રોડમાં નડતરરૂપ વૃક્ષો ગત સપ્તાહે હટાવી દેવામાં આવ્યા હતા અને હાલ પીજીવીસીએલ તથા કોર્પોરેશનની રોશની શાખા દ્વારા સેન્ટ્રલ લાઈટીંગ પોલનું પણ શીફટીંગ કરવામાં આવી રહ્યું છે. આ વીજ પોલ સર્વિસ રોડ પર મુકવામાં આવશે. યુટીલીટી શીફટીંગનું કામ પૂર્ણ થયા બાદ સર્વિસ રોડ શરૂ કરાશે અને ત્યારબાદ કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટવાળા ચોક કે જ્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે ત્યાં પણ પ્રારંભીક કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર અલગ અલગ જગ્યાએ ચાર ઓવરબ્રીજ બની રહ્યાં છે જે પૈકી ત્રણ બ્રીજના નિર્માણ માટે હાલ યુટીલીટી શીફટીંગ અને સર્વિસ રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
ત્રિકોણબાગ
ઈજનેરી સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પણ ટ્રાયેંગલ બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. આ માટે જામનગર રોડ તરફ અને ત્રિકોણબાગ તરફ પીલર મુકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે આગામી એકાદ અઠવાડિયામાં પૂર્ણ થશે ત્યારબાદ અમદાવાદ રોડ સાઈડ પીલરની કામગીરી બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. હાલ તમામ બ્રીજના નિર્માણની કામગીરી સારી એવી પ્રગતિમાં છે.