બામણબોરમાં સિંચાઈ ખાતા હસ્તકની 3.27 હેકટર જમીન હિરાસર એરપોર્ટને સોંપવાનો નિર્ણય, વોટર બોડીનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરાશે: જી.પં. કચેરીમાં અંદાજીત રૂા.70 લાખના ખર્ચે 100 કેવીની કેપીસીટીવાળુ સોલાર રૂફટોફ લગાવાશે
જિલ્લા પંચાયતની આજે કારોબારી સમીતીની બેઠક મળી હતી. જેમાં કારોબારી સમીતીના ચેરમેન રેખાબેન પટોળીયાના અધ્યક્ષ સ્થાનેથી રૂા.5.14 કરોડના કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. આ સાથે બામણબોરમાં સિંચાઈ ખાતા હસ્તકની 3.27 હેકટર જમીન હિરાસર એરપોર્ટને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે આ જગ્યાએ આવેલ વોટર બોડી પ્લાન્ટને અન્ય સ્થળે ખસેડવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંદાજીત રૂા.70 લાખના ખર્ચે જિલ્લા પંચાયત કચેરીમાં 100 કેવીની કેપેસીટીવાળુ સોલાર રૂફટોફ લગાવવાનું પણ નકકી કરાયું હતું.
આજરોજ જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક મળી હતી. આચારસંહિતા હટયા બાદની આ પ્રથમ કારોબારી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને કારોબારી સમીતીના ચેરમેન રેખાબેન પટોળીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કારોબારી સમીતીના સભ્યો કે.પી.પાદરીયા, ચંદુભાઈ શિંગાળા સહિતના પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોના રૂા.5.14 કરોડના 64 કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 8 ગ્રામ પંચાયતના બિલ્ડીંગોને રીપેર કરવાના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કુપોષણ યોજના અંતર્ગત દરેક ઘટકના બે આંગણવાડી કેન્દ્રમાં કૌશલ્યવર્ધક રમત-ગમતના સાધનો માટે રૂા.37 લાખના કામોને બહાલી આપવામાં આવી હતી. આ સાથે કુલ 55 રોડ રસ્તાના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા પંચાયતમાં દર વર્ષે 12 થી 13 લાખનું વીજ બીલ આવતું હોય છે ત્યારે તેમાં રાહત થાય તે માટે સોલાર રૂફટોફ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી. જેથી જિલ્લા પંચાયતમાં અંદાજીત રૂા.70 લાખના ખર્ચે 100 કે.વી.ની કેપેસીટીવાળુ રૂફટોફ લગાવવામાં આવનાર છે.
આ ઉપરાંત હાલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ જે જગ્યાએ નિર્માણ પામનાર છે ત્યાં રન-વે નજીક સિંચાઈ ખાતા હસ્તકની 3.27 હેકટર જમીન ઉપર વોટર બોડી પ્લાન્ટ આવેલો છે. ત્યારે આ વોટર બોડી પ્લાન્ટને અન્ય સ્થળે ખસેડી આ જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને સોંપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેને સર્વાનુમતે મંજૂરી મળી છે.