શરદી-ઉધરસના પણ પાંચ માસમાં માત્ર 6,870 અને ઝાડા-ઉલ્ટીના 1,749 કેસ જ નોંધાયા
રોગચાળાના આંકડા છૂપાવવામાં પાવરધી કોર્પોરેશનની આરોગ્ય શાખા હવે હદ વટાવી રહી છે. શહેરના એક વોર્ડમાં ચકાસણી કરવામાં આવે તો પણ એક સપ્તાહમાં તાવના એક હજારથી વધુ કેસ મળી આવે તેવો રોગચાળો હાલ શહેરમાં ફાટી નીકળ્યો છે. છતા કોર્પોરેશનની આરોગ્ય શાખાના ચોપડે છેલ્લા પાંચ મહિનામાં તાવના માત્ર 821 કેસ જ નોંધાયા છે. આટલું જ નહિં ગત સપ્તાહે માત્ર 29 કેસ નોંધાયા હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે.
આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના આંકડાઓ છુપાવવામાં આવતા હોવાની વાત જગ જાહેર છે પરંતુ હવે જાણે તંત્રએ રાજ્યમાં સૌથી તંદુરસ્ત શહેર રાજકોટ છે તે સાબિત કરવાનું બિડું કાગળ પર ઉપાડ્યુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દર સપ્તાહે રોગચાળાના આંકડાઓમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સૌથી મોટી અને શહેરીજનોને આશ્ર્ચર્યમાં મૂકી દેતી વાત એ છે કે ગત 1-જાન્યુઆરીથી લઇ 21 મે સુધીના પાંચ માસના સમયગાળામાં શહેરમાં સામાન્ય તાવના ફક્ત 821 કેસ જ નોંધાયા છે. શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો પાસેથી રોગચાળાના આંકડા લઇ દર સોમવારે જાહેર કરવામાં આવે છે.
રાજકોટની વસતી 20 લાખથી પણ વધુ છે. આવામાં શહેરમાં પાંચ મહિનામાં તાવના 821 કેસ જ નોંધાયા હોય તે વાત નાના બાળકને પણ ગળે ઉતરે તેવી નથી. છેલ્લા ઘણા દિવસોથી શેરી-ગલ્લીઓના દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઇનો લાગેલી જોવા મળે છે. છતાં આરોગ્ય શાખાના રેકોર્ડ પર ગત સપ્તાહે સામાન્ય તાવના ફક્ત 29 કેસ નોંધાયા છે. ટૂંકમાં તંત્રએ વાત સાબિત કરવા માંગે છે કે રોગચાળાને નાથવા માટે આરોગ્ય શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને સફળતા મળી રહી છે. ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા બે કેસ મળી આવ્યા હતા. પાંચ માસના ડેન્ગ્યૂના 20 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના માત્ર છ અને ચીકન ગુનિયાના બે કેસ મળ્યા છે.
ગત સપ્તાહે શરદી-ઉધરસના 188 કેસ, ઝાડા-ઉલ્ટીના 101 કેસ નોંધાયા હતા. ચાલુ સાલ પાંચ મહિનામાં શરદી-ઉધરસના 6,870 અને ઝાડા-ઉલ્ટીના 1749 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રોગચાળાને અટકાવવા માટે એક સપ્તાહ દરમિયાન 17,443 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 215 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિન રહેણાંક હોય તેવી 482 મિલકતોમાં મચ્છરની ઉપદ્રવ સબબ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 53 સ્થળોએથી મચ્છરના પોરા મળી આવતા તમામને નોટિસ અપાઇ હતી. જ્યારે રહેણાંક હેતુની 294 મિલકતોમાં મચ્છરનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ અપાઇ છે.