સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10 હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સુશાસનમાં જનભાગીદારીથી જળસંચય મહાઅભિયાન હવે જનઆંદોલન બન્યું છે. આવનાર સમયમાં પાણીની સ્થિતિ વિકટ ન બને તે માટે દેશમાં સૌથી વધુ જળસંચયના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે. આ સાથે દેશમાં લગભગ 700 જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં 75 તળાવો બનાવવામાં આવ્યા છે.
જળ સંગ્રહ માટે ડેમ બનાવવામાં હજારો કરોડનો ખર્ચ થાય છે, તેની સાથે ખેડૂતોની જમીન પણ કપાતમાં જતી હોય છે. અને સમયનો પણ વ્યય થાય છે. તેની સામે એક વીઘા ખેતરમાં 8 થી 10 લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે અને ખર્ચ પણ પોષાય તેવો થાય છે એમ જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું. પોતાના ૭૧મા જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં 10 હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વન, પાણી પૂરવઠા રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ શક્તિમંત્રીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના એક જ મહિનામાં દસ હજાર રેન વોટર હાર્વેસ્ટીંગના કામો પૂર્ણ કરવામાં આવશે. આવનાર સમયમાં જળસંચયની યોજના એ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે.
સાથે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો આ યોજનાનો હેતુ છે. વધુમાં મંત્રી એ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં દરેક ગામમાં રિચાર્જ બોરનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કામાં દરેક ગામમાં 100 વોટર રિચાર્જ બોર કરવાના કાર્યનો શુભારંભ થઈ ગયો છે. ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેચ ધ રેન અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બન્યું છે. ઓલપાડ તાલુકાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વપરાશ માટે પાણી ભૂગર્ભમાંથી લેવામાં આવતું હતું, જેનું TDSનું સ્તર ઘણું ઊંચુ હતું. ત્યાર બાદ દરેક ગામમાં દરિયામાં વહી જતું પાણી ભૂગર્ભમાં ઉતારવાથી અને જળસ્તર ઊંચા આવ્યા અને TDS નું પ્રમાણ પણ ઘટ્યું છે.
વધુમાં મંત્રીએ કહ્યું કે, દેશ અને રાજ્યમાં પાણીનો અભાવ પણ છે અને પાણીનો પ્રભાવ પણ છે. આવનાર સમયમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની બચત થાય તે પણ ખૂબ જરૂરી છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, સરકારે પાણીની બચત માટે સુજલામ સુફલામ યોજના અમલી બનાવી છે. આવનારી પેઢીને કોઈ ઉમદા ભેટ આપવી હોય તો સોસાયટી, ફળિયા, ગામતળમાં જ્યાં જગ્યા મળે ત્યાં વોટર રિચાર્જ ભૂગર્ભ બોર બનાવી જળસંચય ઝુંબેશમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર સહભાગી બનવા અને પાણીનો સદુપયોગ કરવા સૌને હાંકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ સુમુલ ડેરી ડિરેક્ટર જયેશ પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, કિશન પટેલ, બ્રિજેશ પટેલ, લાલુભાઈ પાઠક, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો તેમજ વિવિધ ગામથી વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકો જોડાયા હતા.