વર્ષો પહેલાના જમાનામાં ભૌતિક સુવિધા ઓછી, આવક ઓછી છતાં માનવીઓ હળીમળીને એકબીજા સાથે સંપથી રહેતા હતા. આજેપણએ આપણી શેરી યાદ આવે છે. સારા-નરસા પ્રસંગોમાં આપણાં પરિવાર સાથે આડોશ-પાડોશ પણ ખંભાથી ખંભો મીલાવીને મદદ કરતા હતા. એક વાત ત્યારે 100 ટચના શુધ્ધ સોના જેવીએ હતી કે લોકો એકબીજાનો આભાર કે માફી ખરા દિલથી માંગતા હતા, ઘણીવાર તો લાગણીના આ સરોવરમાં બંનેની આંખો ભીની થઇ જતી હતી. આજના યુગમાં આવી પવિત્રતા ક્યાંય દેખાતી નથી, આજે શબ્દો તો બોલાય છે, પણ ઔપચારીક માત્ર આપણા જીવન સાથે થેન્ક યુ અને સોરી શબ્દો જન્મથી મૃત્યું સુધી જોડાયેલા રહે છે. આભાર અને માફી વચ્ચે એક સંપૂર્ણ જીવન વ્યવહાર જોડાયેલો હોય છે.
આપણાં જીવન સાથે જોડાયેલા શબ્દો આજની સ્વાર્થી દુનિયામાં માત્ર એક રૂટીન પ્રક્રિયા થઇ ગઇ: સૌપ્રથમ આપણે ઇશ્વરનો આભાર માનવો જોઇએ જેણે સરસ મજાનું જીવન આપ્યું
બધી બાબતો માટે આભાર માનવાની ટેવ પાડી સાથે તમારાથી કોઇને દુ:ખ કે મુશ્કેલી પડી હોય તો માફી અવશ્ય માંગવી: બીજાઓનો આભાર માનવાથી આપણને ખુશી મળે છે, અને લોકો એકબીજાની નજીક આવે છે
કોઇને કહેવા માટે તમે આભારી છો, કારણ કે તેણે તમને કંઇક આપ્યું છે અથવા તમારા માટે કંઇક કર્યું છે: તમારો ખુબખુબ આભાર આ વાક્ય આપણાં શરીરમાં એક નવો સંચાર કરે છે: આ શબ્દો આજે માત્ર ઔપચારિક બની ગયા
આજે સૌએ આભારની લાગણી પ્રગટ કરવાનો સંકલ્પ લેવો પડે એવું છે, કારણ કે આ બંને શબ્દો બોલચાલમાં વધ્યા છે, પણ તેમાં હૃદ્યની લાગણીની ગેરહાજરી જોવા મળતા માત્ર નાટકીયા વેડા જ રહી ગયા છે. આજે વાંક હોવા છતાં, વટ ખાતર પણ સોરી બોલતા નથી. આજની રૂટીન પ્રક્રિયામાં બોલાતા આ શબ્દો પાછળ ગુણવત્તાસભર જીવન જોડાયેલું છે. સંસ્કારીતા સાથે જીવનશૈલી પણ સમાયેલી છે. અભણ કે શિક્ષિત હોય, ગરીબ કે પૈસાદાર પોતાના પર કોઇએ કરેલા ઉપકાર અને ભૂલની સામે આ શબ્દો બોલાવ જ પડે છે. સુંદર મનાતું જીવન આપનાર ઇશ્ર્વરનો સૌથી પહેલો આભાર માનવો પડે છે. જીવનમાં બધી બાબતો માટે આભાર માનવાની ટેવ પાડતા શીખો.
તમારાથી કોઇને દુ:ખ કે મુશ્કેલી પડી હોય તો માફી માંગવીએ આપણી માનવતા છે. જીવનમાં ઘણા સદ્ગુણોમાં આપણ એક એક-બીજા સાથે સંબંધો, વ્યવહારો માટે અતી જરૂરી છે. બીજાઓને માફ કરવાથી કે આભાર પ્રગટ કરવાથી આપણને ખુશી મળે છે અને લોકો એકબીજાની નજીક આવે છે. તમારા માટે કંઇક આપ્યું છે કે કંઇક કર્યું છે ત્યારે તમારે આભારની લાગણી પ્રગટ કરવી જ પડે છે. આપણી ભૂલે બીજાને સોરી કહો અને તમને મળેલી મદદ કે સહકારમાં સામાવાળાનો આભાર માનવો જ આપણું શ્રેષ્ઠ લક્ષણ કે ગુણ છે.
આજે સોશિયલ મીડિયાના યુગમાં આ બંને શબ્દો માત્ર એક રૂટીન ‘ફેશન’ જેવા બની ગયા છે. આપણાં જીવનમાં ડગલેને પગલે મદદની જરૂર પડતા મિત્રો, પરિવાર કે અજાણ્યા માણસ પ્રત્યે કૃતજ્ઞનતા દર્શાવવીએ આપણો પ્રથમ ધર્મ કે કર્તવ્ય છે. કોઇ પ્રત્યેની કૃતજ્ઞતાની નમ્ર અભિવ્યક્તિ એટલે જ આભાર. પહેલો તો કોઇકે તમારૂ કામ કે સહયોગ આપ્યો હોય તો માણસ પોસ્ટકાર્ડ પણ લખતો હતો અને જ્યારે રૂબરૂ મળે ત્યારે ફરી આભાર વ્યક્ત કરતો હતો. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વપરાયેલ આભાર શબ્દ 1792 ઉપર વ્યાખ્યાપિત અર્થમાં જોવા મળે છે.
ત્રણ અક્ષરનો આ આભાર શબ્દને બદલે ‘થેન્ક યુ’ શબ્દ એટલો બધો ચલણમાં આવી ગયો છે કે અભણ પણ બોલે છે. ઘણીવાર આપણે જ બોલીએ છીએ કે મારે તમારો આભાર કેમ માનવો તેને માટે શબ્દ જડતા નથી. હિન્દી ફિલ્મ જય હોમાં ‘થેન્ક યુ’ શબ્દ વણીને હૃદ્યસ્પર્શી વાત સમજાવી હતી. સલમાન ખાને ઘણા યુવાનોમાં આ પ્રેરણાત્મક વાત મુકીને બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આપણાં જીવનમાં એકબીજાને મદદ કરતા રહીને કોઇકની જીંદગી સરળ બનાવી એજ સાચું જીવન છે.
મને માફ કરો કે હું આપની શું મદદ કરી શકું આ બે વાક્યો જીવનમંત્ર હોવા જોઇએ. હમણાં સોશિયલ મીડિયામાં આઇ.એમ.વેરી વેરી સોરી, કાન તને ભૂલી ગઇ’ ગુજરાતી ગીત ખૂબ જ વાયરલ થયું છે. યુવા વર્ગ એકબીજાને સોરી કહેવા પણ આ ગીત ફોરવર્ડ કરે છે. જો ભૂલ થઇ હોય તો સામેવાળાને માફ કરી દેવાની વાત કરવી આપણી ફરજ છે. આજે સંતાનોના ખરાબ કરતુતોને કારણે મા-બાપે માફી માંગવી પડે એટલી હદે સંતાનો બગડી ગયા છે.
ઘણા તો ભૂલ બદલ માફીપાત્ર પણ લખાવે છે. આપણને જેટલો સમય મળે તેટલો કોઇકની મદદ કરવી અને બીજાને નડવું નહીં કે મુશ્કેલી ન પડે તેવું જીવન જીવવું જરૂરી છે. આજે તમારી આસપાસનાં લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધો વિકસાવે છે અને તેનું કામ પૂર્ણ થયે સંબંધ પણ તોડી નાંખે છે. વિદેશી લોકો આ શબ્દો માત્ર રૂટીંગ વ્યવહારમાં માત્ર ઔપચારિક બોલે છે. આપણી ગુજરાતની સંસ્કૃત્તિમાં આ શબ્દો બોલાય ત્યારે ગુજ્જુ લોકોમાં આંખોનો ભાવ, વર્તન અને સંબંધો ટકાવી રાખવાની ભાવના જોવા મળે છે.
આપણે નાનપણથી આજસુધીના જીવનમાં ઘણા કામો પુરા કર્યા પણ આપણે આ બંને શબ્દોનો ઉપયોગ કર્યો નથી. કારણ કે માણસાઇ બધામાં હોવાથી જરૂર પડતી ન હતી પણ આજે નવા જમાનામાં આપણે સોરી-થેન્ક યુ શબ્દ બોલવા જ પડે છે. વારંવાર સોરી કે થેન્ક યુ કહેવું પડે એવું જીવન નહીં પણ આપણો હાથ પકડીને ખભે હાથ મૂકીને દિલથી આભાર માને એવું જીવન જીવવું જરૂરી છે. પ્રેમ-હૂંફ, લાગણી સાથે જ આ બંને શબ્દો દૂધમાં સાકર મળે તેમ ભણી ગયા છે. આજે લગ્ન-સગાઇ કે બર્થ ડે જેવા પ્રસંગોએ શુભેચ્છા પાઠવીએ ત્યારે સામેવાળી વ્યક્તિ આભાર વ્યક્ત કરે છે. રસ્તે ચલાવતા સ્કૂટર કોઇ સાથે ટકરાય ત્યારે ‘સોરી’ કહેવાના સંસ્કાર હોવા જોઇએ. નાગરીકોના શ્રેષ્ઠ ઘડતર માટે પણ આ શબ્દો અનિવાર્ય છે. સંબંધો ટકાવવા પણ જ્યારે બોલવા જ પડે ત્યારે આ બંને શબ્દો બોલવામાં નાનપ ન સમજતા.
‘થેંક્સ ગિવિંગ’ દિવસ ઉજવણી
દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરૂવારે આ દિવસ ઉજવાય છે. પરંપરાગત રીતે તે લાગણી માટે કરેલા તમામ બલિદાન અને સખત મહેનત માટે આભારનો દિવસ છે. પરિવારો અને મિત્રો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ આભાર વ્યક્ત પ્રણાલી 17મી સદીના પ્રારંભનું ઐતિહાસિક મૂળ ધરાવે છે. આ ઉજવણી વિદેશોમાં સાંસ્કૃત્તિક રીતે પણ જોડાયેલી છે. વિશ્ર્વનાં ઘણા દેશોમાં આ ઉજવણીમાં એકબીજાનો આભાર માનવા એકત્ર થાય છે, ઘણા દેશોમાં રજા પણ જાહેર કરાયેલી છે. કેટલાક દેશોમાં તો આ ઉજવણી સાથે વીક હોલી ડે સેલીબ્રેશન પણ હોય છે. “કોઇક માટે કંઇક કરી છૂટવાની ભાવના જ જીવનને મહેકતું બનાવે છે”