‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્ર સાથે કાર્યરત કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોની સુખાકારી માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લેવાય રહ્યાં છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ
રાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ નાગરિકોની વધુ સુવિધા માટે અલાયદી વ્યવસ્થાઓ કરવા બદલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, ૬૦ વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી દવાખાનાઓમાં અલાયદી સુવિધા આપવાના નિર્ણય દ્વારા ગુજરાત સરકાર ખરા અર્થમાં પરદુ:ખભંજન સાબીત થઇ છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે કાર્યરત કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોની સુખાકારી માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લેવાય રહ્યાં છે. રાજ્યનાં નાગરિકોને ખાનગી દવાખાનાઓમાં મફતમાં સારવાર મળી રહે તે માટે માં અમૃતમ અને માં વાત્સલ્ય જેવી યોજના શરુ કરી ભાજપા સરકાર દ્વારા સાચા અર્થમાં દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા યોજના આયુષ્યમાન ભારત હેઠળ ૫ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડી દેશના ૫૦ લાખ લોકોને સારવાર ખર્ચમાંથી મુક્તિ આપી જનસેવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં સીનીયર સીટીઝન નાગરિકોને બીમારીની સારવાર માટે કોઈ મુશ્કેલી ન પડે, કોઈ હાડમારી ભોગવવી ન પડે અને સારવાર દરમિયાન ઉતમ સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ લોકો માટે ઓ.પી.ડી. સમય અલગથી રાખવામાં આવ્યો છે તેમજ કેસ બારી માટે પણ અલગ લાઈન તથા વયોવૃદ્ધ નાગરિકો માટે અલગ વોર્ડ અથવા અલગ વ્યવસ્થાઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચે તેમજ સમાજના તમામ વર્ગોની જરૂરિયાત મુજબ સૌને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે.