જેતપુર પંથકમાં અજબ પ્રેમનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર-ચાર સંતાનની માતા કુંવારા યુવક સાથે ભાગી જતા પરિણીતાના સાસરિયા દ્વારા બંને પ્રેમી પંખીડાઓને શોધી તેમના કાન-નાક વાઢી અને મુંડન કરીને સોમનાથના દરિયા કાંઠે ફેંકી દીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર પંથકમાં ચાર સંતાનની માતા કુંવારા યુવાન સાથે પ્રેમમાં પડ્યા બાદ બંને ભાગી ગયા હતા.જેના પગલે પરિણીતાના સાસરિયા પક્ષનાઓએ બંનેને શોધી ઢોર માર માર્યો હતો. એટલાથી મન ના ભરતા સાસરિયા પક્ષનાઓએ તાલિબાની સજાની માફક બંનેને સોમનાથના દરિયા કિનારે ફેંકી દીધા હતા.
આ ઘટના અંગે બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બંને પ્રેમી યુગલોના નાક અને કાન વાઢી અવાવરું સ્થળ પર ફેંકી દીધા જેવી ક્રૂરતા પ્રકારની ઘટના પર લોકો ચારે તરફથી ફિટકાર વરસાવી રહ્યા છે.
ઘટના અંગે જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. અને આવા ક્રૂરતા પૂર્વક યુગલને સજા આપનાર સામે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથધરી છે. આ ઘટનામાં સામેલ ગુનેગારો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.