૧૦ દિવસથી પાણી વિતરણ ન કરાતા મહિલાઓ રણચંડી બની: સવારે ગ્રામ પંચાયતે ઘસી ગઈ: મંત્રી જયેશ રાદડીયા બપોરે હાજર રહેશે
જેતપુર તાલુકાના વિરપૂર ગામે છેલ્લા ૧૦ દિવસથી પાણી વિતરણ ન કરાતા મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતુ મુખ્ય માર્ગો પર ચકકાજામ કર્યા બાદ આજે સવારે વિરપૂર ગ્રામ પંચાયત ખાતે મહિલાઓનું ટોળુ ઘસી ગયેલ હતુ.
તેઓએ નર્મદાના પાણી આપવનાં વાયદા કરનાર મંત્રી જયેશભાઈ રાદડીયાને બોલાવવાની માંગણી કરી હતી જેના અનુસંધાને આજે બપોરે ૩ કલાકે મંત્રી જયેશભાઈ રાદડીયા, વિરપૂરમાં પાણી પ્રશ્ર્ને હાજરી આપશે.
આ પાણી પ્રશ્ર્ને વિરપૂર ભાજપના આગેવાનોએ ખૂલ્લેઆમ દાદાગીરી કરી હતી. ભાજપના કેટલાક આગેવાનોએ મહિલાઓના બાવડા ખેંચીને ધકકા માર્યા હતા જેથી મહિલાઓમાં રોષ ઉઠ્યો છે.
વિરપૂર ગામને દોઢેક મહિના પૂર્વે ભાદરડેમ ડુકી જવાને કારણે પાણી આપવાનું બંધ થયું છે. જેથી વિરપૂરવાસીઓ પાણીની ગંભીર કટોકટી ભોગવી રહ્યા છે. પ્રખ્યાત યાત્રાધામ હોવાથી બહારથી દર્શનાર્થીઓ બહોળા પ્રમાણમાં આવે છે.
જેથી પાણીની વધુ જરૂરિયાત ઉભી થાય છે. ૧૦ થી ૧૨ દિવસે થતા પાણી વિતરણથી ત્રસ્ત થઈને મહિલાઓએ બેડા લઈને ગઈકાલે રસ્તાઓ ચકકાજામ કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આ તકે ભાજપના અમુક આગેવાનોએ રોફ જમાવીને મહિલાઓનાં બાવડા પકડીને ધકકા મારીને ચકકાજામ હટાવ્યો હતો જેથી મહિલાઓમાં રોષ ફેલાયો છે.