વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે સ્થળ પર અધિકારીને રૂબરૂ બોલાવ્યા: સમસ્યાના કાયમી નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મેઘરાજાએ મહેર કરતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા પાંચેય જળાશયો છેલ્લા એક મહિનાથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે. છતાં રાજકોટવાસીઓના નસીબમાં જાણે પાણીનું કાયમી સુખ લખ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. પાંચ આંકડામાં તોતીંગ પગાર લેતા ઈજનેરોની અણઆવડતના કારણે શહેર અલગ અલગ વિસ્તારમાં રોજ પાણીની રામાયણ સર્જાય છે.

શહેરના વોર્ડ નં.૧૩ આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત છતાં સમસ્યા હલ થતી નથી.

આજે મહિલાઓ રણચંડી બની હતી અને હોબાળો મચાવ્યો હતો, આગ બબુલી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં માટલા ફોડયા હતા. દરમિયાન વોર્ડના જાગૃત મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાંથી તેઓ અધિકારીઓને આંબેડકરનગરમાં લઈ ગયા હતા. સમસ્યાના કાયમી નિરાકરણની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.  શહેરના વોર્ડ નં.૧૩માં આવેલા આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી નળ વાંટે લોકોને દુષિત પાણી મળી રહ્યું છે. આ અંગે અવાર-નવાર રજૂઆત કરવા છતાં મહાપાલિકા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા દુષિત પાણી પ્રશ્ર્ને રોેષે ભરાયેલી સ્થાનિક મહિલાઓનું ટોળુ વોર્ડ નં.૩ની વોર્ડ ઓફિસ ખાતે ધસી ગયું હતું. જયાં મહિલાએ હોબાળો મચાવી માટલા ફોડી દુષિત પાણી પ્રશ્નનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે જાણ થતાં વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને અગ્રણી સરોજબેન રાઠોડ ઘટના સ્થળે ધસી ગયા હતા. તેઓએ અધિકારીઓને ફોન કરી રૂબરૂ બોલાવ્યા હતા અને સ્થળ પર જઈ આ સમસ્યાનો ત્વરીત નિકાલ લાવવા માટેની કામગીરી શરૂ કરવા સુચના આપી હતી. દરમિયાન અધિકારીઓએ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાય જશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.