રાજ્યભરમાં મહિલાઓનાં અધિકારો અને તેનાં મુલ્યોનું જતન કરવા સાથે મહિલાઓની અંદર છુપાયેલી સુશુપ્ત શક્તિ બહાર આવે તે હેતુંથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન તળે વેરાવળ-પાટણ દરવાજા, પોલીસ એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમારે ઉપસ્થિત સૈાનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણનો ઉદેશ દેશમાં સમાનતા લાવવાનો છે. સ્ત્રી અને પુરૂષ બંને સાથે ખંભે થી ખંભા મીલાવીને કામ કરશે તો આ દેશનો વિકાસ તિવ્ર ગતિએ થશે. જિલ્લા દહેજ પ્રતિબંધીક અધિકારી એમ.જી.વારસુરે પણ આ કાર્યક્રમનો હેતુ અને મહિલા સબંધી કાયદાકીય જોગવાઇઓથી બહેનોને વાકેફ કરાવ્યા હતા. મહિલા સપોર્ટ સેન્ટર કાઉન્સેલર અલ્કાબેન અને મહિલા પી.એસ.આઇ. પ્રવિણાબેન સાંખટે પણ કોઇપણ કાયદાની આંટીઘુટી વગર સમાધાન, સ્ત્રીનું સન્માન જાળવવા અને સ્ત્રીભ્રુણ હત્યા, બાળમજુરી, ઘરેલું હિંસા જેવા કૃત્યો અટકાવવા અનુરોધ કર્યો હતો. મહિલા કોલેજનાં આચાર્યશ્રી પ્રો.વાળાએ દિકરી સાપનો ભારો નથી તેતો તુલસીનો ક્યારો છે. આ દેશમાં મહિલાઓને પણ સશક્ત બનાવવી ખુબ જરૂરી છે જેના માટે આ કાર્યક્રમ ખુબ જ અગ્રતા ધરાવે છે. જેને પ્રોત્સાહન આપવા આપણા સૈાની નૈતિક જવાબદારી છે. તેમ જણાવી બેટી બચાવો બેટી પઢાઓ વિશે યોગ્ય માર્ગદર્શન આ્પ્યું હતું.
આ તકે નેશનલ કરાટે કોચ ઇન્સટ્રક્ટર સંદીપ રાઠોડની નિગેહબાનીમાં કીડીવાવ સ્કુલની બહેનોએ મહિલાઓેને સેલ્ફ ડીફેન્સફાઈટ, મહિલાઓએ પોતાનો બચાવ કેવી રીતે કરવો, જુડો કરાટે ફાઈટ, નળીયા, લાદી, બાઈક, માટલા સળગતી રીંગમાંથી પસાર થવા જેવા સ્ટન્ટ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. એમ. પરમાર અને પ્રો.વાળાએ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્હાલી દિકરીને પુષ્પગુચ્છ આપી નારી તુ ત્યાગની મુર્તિ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.