પાંચ ટીમ વચ્ચે ૨૩ દિવસમાં ૨૨ મેચ રમાશે જેમાંથી 20 લીગ મેચ અને 2 પ્લેઓફ મેચ : ૨૬મીએ ફાઈનલ
ભારતીય ક્રિકેટ બોર્ડની મહિલા પ્રીમિયર લીગ ટી-૨૦નો આજથી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે . આઇપીએલની જેમ મહિલા ક્રિકેટરો માટે શરુ કરવામાં આવેલી મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત અને મુંબઈની સાથે બેંગ્લોર, દિલ્હી અને યુપીની ટીમ વચ્ચે જંગ જામશે. પાંચ ટીમ વચ્ચે ૨૩ દિવસમાં કુલ ૨૨ મુકાબલા ખેલાશે અને ૨૬મીએ રમાનારી ફાઈનલના અંત સાથે ચેમ્પિયન નક્કી થશે. આજથી મહિલા પ્રીમિયર લીગના પ્રારંભના પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સની સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટકરાશે.
મહિલા પ્રીમિયર લીગ ટી-૨૦ના પ્રારંભ અગાઉ રંગારંગ ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં કિયારા અડવાણીની સાથે ક્રિતી શેનન અને એપી ધિલ્લોન પર્ફોમન્સ આપશે. ઉદ્ઘાટન સમારંભ સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. જ્યારે મેચનો પ્રારંભ સાંજે ૭.૩૦થી થશે. ગુજરાત, મુંબઈ, યુપી, બેંગ્લોર અને દિલ્હી એમ પાંચ ટીમ વચ્ચે કુલ મળીને ૨૨ મેચ રમાશે. જેમાં ૨૦ લીગ મેચ રહેશે. લીગ રાઉન્ડના અંતે ટોચની ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશશે અને બીજો તેમજ ત્રીજો ક્રમ ધરાવતી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. જે નિર્ધારિત કરેલા મેચ શિડ્યુલ છે તેમાં ચાર ડબલ હેડર મેચ રમાશે જેમાં બપોરના મેચ 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજના મેચ 7.30 વાગ્યે શરૂ થશે.