જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે..
આવતા વર્ષથી યોજના અમલી બનાવવાની કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમે ફગાવી
મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ની પ્રવેશ પરીક્ષામાં આ વર્ષે નહીં બેસવા દેવાની કેન્દ્ર સરકારની વિનંતીને સુપ્રીમ કોર્ટે એમ કહેતાં ફગાવી દીધી હતી કે દેશના લશ્કરમાં મહિલાઓના પ્રવેશને એક વર્ષ માટે રોકી શકાય નહીં. કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કોર્ટને એવી વિનંતી કરી હતી કે એનડીએની પ્રવેશ પરીક્ષામાં આ વર્ષથી જ મહિલા ઉમેદવારોને બેસવા દેવાની મંજૂરી આપતા તેના અગાઉના આદેશને પાછો ખેંચી લે. જો કે સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદેશને પાછો ખેંચી લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું હતુ કે ૨૦૨૨ના વર્ષમાં યોજાનારી એનડીએની પ્રવેશ પરીક્ષા માટે મહિલાઓને બેસવા દેવાની મંજૂરી આપતું એક જાહેરનામુ આગામી વર્ષે મે મહિનામાં બહારહ પાડી દેવામાં આવશે.
ન્યાયમૂર્તિ એસ.કે કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા દેશના લશ્કરીદળો શ્રેષ્ઠ તાકાત બન્યા છે તેથી અમે આશા રાખીએ છીએ કે દેશના સંરક્ષણ દળોમાં મહિલાઓના પ્રવેશ માટે સંરક્ષણ મંત્રાલય યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સાથે સહયોગમાં રહીને વિના વિલંબે તમામ જરુરી વ્યવસ્થા કરે જેથી કરીને સંરક્ષણ દળોમાં પ્રવેશવાનો મહિલા ઉમેદવારોનો માર્ગ મોકળો બને.
અરજદાર કુશ કાલરા દ્વારા કોર્ટમાં હાજર રહેલાં એડવોકેટ ચિન્મય પ્રદીપ શર્માએ કરેલી દલીલોની નોંધ લેતાં બેન્ચે કહ્યું હતું કે સંરક્ષણ દળોમાં મહિલાઓના પ્રવેશને એક વર્ષ જેવા લાંબા સમય સુધી મુલત્વી રાખી શકાય નહીં સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે સંરક્ષણદળોમાં મહિલાઓને સમાવી લેવા સરકાર દ્વારા નિષ્ણાતોની એક કમિટિ બનાવાઇ રહી છે અને આગામી વર્ષથી તેઓને સમાવી લેવાની બાકીની તમામ વ્યવસ્થા પણ થઇ રહી છે.
અમે તમારી સમસ્યા સમજીએ છીએ પરંતુ તેનો ઉકેલ લાવવા પણ તમે સંપૂર્ણ સક્ષણ છો તેથી એનડીએની પરીક્ષામાં બેસવા થનગની રહેલી મહિલા ઉમેદવારોની ઇચ્છાઓને ધ્યાનમાં લેતાં અમે તમારી વિનંતી સ્વિકારી શકીએ તેમ નથી એમ બેન્ચે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું.
દેશના લશ્કરીદળો ભૂતકાળમાં ગમે તેવી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળ્યા હતા, અને ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળતું તે તેઓની તાલિમનો એક ભાગ છે. અમને સંપૂર્ણ ખાતરી છે કે મહિલા ઉમેદવારો પણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળશે તેથી આ તબક્કે અમે અમારો અગાઉનો આદેશ રદી કરી તેમ નથી એમ ન્યાયમૂર્તિ બી. આર. ગવઇને સમાવતી બેન્ચે સરકારને રોકડું પરખાવી દીધું હતું.