ચૂંટણી અગાઉ પંચ દ્વારા કરાયેલો નવતર પ્રયોગ: મહિલા મતદાન મથકમાં મહિલા કર્મચારીઓને જ ફરજ પર મુકાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણા કામગીરી પૂરી થવા આવી છે. સપ્ટેમ્બર મહિનામાં નવી મતદાર યાદી જાહેર પણ કરવામાં આવશે. આ દરમ્યાન વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર એક-એક મહિલા મતદાન મથક રાખવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રિસાઈડીંગ ઓફીસરથી લઈ પટ્ટાવાલા સુધીના તમામ કર્મચારીઓ મહિલા જ હશે. દેશમાં પ્રથમ વખત આવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિધાનસભાની દરેક બેઠકો ઉપર એક-એક મહિલા મતદાન મથક રાખવાનો આદેશ દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓને થયો છે.
મહિલાઓ માટેના ખાસ મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, કલાર્ક અને પટ્ટાવાળા માટેની તમામ જવાબદારીઓ મહિલા કર્મચારીઓને જ આપવામાં આવશે. આ માહિતી એકઠી કર્યા બાદ ટૂંક સમયમાં ચૂંટણી અધિકારીઓ ચૂંટણીપંચને રિપોર્ટ કરશે.