વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓનું અંજલીબેન રૂપાણી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે સન્માન કરાયું
મહિલા સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન સહિતના કાર્યક્રમો યોજાશે: શાળા-કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીની ઉપસ્થિત રહી
ગુજરાતે નારી સશક્તિકરણથી ‘નારી તું નારાયણી’ ચરિતાર્થ કરી દેશને નવો રાહ ચીંધ્યો છે. સરકાર દ્વારા તા.૧ ઓગસ્ટથી તા.૧૪ ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે. રાજયની દરેક મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા મહિલા સશક્તિકરણ અંગેના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું અંજલીબેન રૂપાણીના હસ્તે ઉદધાટન કરાયું હતું.
અંજલીબેન રૂપાણી દ્વારા આ કાર્યક્રમમાં બેટી બચાવો-સાઇબર ક્રાઈમથી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને રેસકોર્ષ ખાતે મહિલા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજલીબેન રૂપાણીએ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરની સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાય હતી તેમજ મહિલા પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીપીસી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, ટ્રાફિક શાખાના એસીપી બી.એ.ચાવડા અને જે.એસ.ગેડમ સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત તા.૧ ઓગસ્ટથી તા.૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા આરોગ્ય દિવસ, મહિલા કૃષિ દિવસ, મહિલા શિક્ષણ દિવસ, મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, મહિલા કર્મ યોગી દિવસ, મહિલા કાનૂની જાગૃતિ દિવસ, શ્રમજીવી મહિલા દિવસ અને શારીરિક સૌષ્ઠવ દિવસ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ હેડ કવાર્ટર ખાતેના તાલિમ ભવન ખાતે સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મહિલા સુરક્ષા સંબંધે સેમિનાર અને હેડ કવાર્ટરથી રેસકોર્ષ રીંગ રોડ ફરતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. મહિલા પોલીસ દ્વારા હથિયાર સાથે પરેડમાં જોડાયા હતા. આ કાર્યક્રમનું ઉદઘાટન અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારીઓ અને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસમાં અને ટ્રાફિક વોર્ડન તરીકે પસંશનીય ફરજ બજાવતા મહિલા સ્ટાફનું અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
દરેક લોકોએ પોતાની દિકરીને સ્વસુરક્ષાની તાલીમ આપવી જરૂરી: અંજલીબેન રૂપાણી
અંજલીબેન રૂપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ પોલીસ દ્વારા મહિલા સશકિત કરણ પખવાડીયાની શરૂઆત કરવામાં આવેલ છે તેના અનુસંધાને રાજકોટની શ્રેષ્ઠ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે મહિલાઓની જ એક આગવી પરેડને ફલેગ ઓફ કરવામાં આવેલ છે મહિલા પોલીસ જે રાજકોટની જાબાઝ છે અને તેમના દ્વારા મોટા મોટ ગુન્હા પણ થોડીક ક્ષણમાં ઉકેલાઈ છે એવી પોલીસ મહિલા ઓને પણ સન્માન કરવામાં આવેલ છે ટ્રાફીક બિગ્રેડની મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ મહિલા માટેનો આ સ્ત્રી સશકિતકરણનો કાર્યક્રમ રાજકોટના આંગણે ઉજવવામાં આવ્યો છે.
તે બદલ રાજકોટ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે. સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે સાવધાની રાખવી જોઈએ કોઈપણ વ્યકિતએ પોતાના ફોટા સોશ્યલ મીડીયામાં અપલોડ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ અને બધા લોકોએ પોતાની દિકરીને સ્વ.સુરક્ષાની તાલીમ આપવી જરૂરી છે.
શહેરમાં મહિલાઓને લગતા ગુનામાં ઘણા સુધારાઓ થયા છે: મનોજ અગ્રવાલ
રાજકોટના સીપી મનોજ અગ્રવાલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા આયોજીત મહિલા સશકિતકરણ પખવાડીયાના ભાગ રૂપે મહિલા સુરક્ષા દિવસના અનુસંધાને શહેર પોલીસ દ્વારા રાજકોટની વિવિધ સામાજીક સંસ્થા અને પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલાઓને સન્માનીત કરવામા આવેલા છે. આ દિવસની ખાસીયત એ રહી છે કે મહિલા સુરક્ષા દિવસ અનુસંધાને મહિલા પોલીસ અધિકારી વિવિધ શૈક્ષણીક સંસ્થાઓનાં મહિલાઓ મારફતે રાજકોટના રેસકોર્ષને ફરતો પરેડનું
પણ આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ આનંદ થાય છે કે બેટી બચાવો સાઈબર ક્રાઈમથી તેમાં મહિલાઓ માટે ખાસ સોશ્યલ મીડીયા ઉપર સાવચેતી ના રૂપે શું શુ ધ્યાન આપવું એવા પંદરેક વિવિધ મુદાઓ ઉપર એક બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. અને રાજય સરકાર ઘણી બધી પહેલ કરે છે. મહિલા સુરક્ષાની અને સલામતી માટે અને રાજય સરકારમાં ગુનાહખોરી ઓછી થઈ રહી છે. અને રાજકોટ શહેરમાં પણ મહિલાઓને લગતી ગુનામાં ઘણા સુધારાઓ થયા છે. એ અનુસંધાનમા બધામાં સંવેદનશીલતા લાવવા માટે જે પ્રમાણેના સુચનો મળ્યા છે. તે તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં આ તાલીમ આપવા માટે સ્વરક્ષા તાલીમ માટે પણ પોલીસ પહેલ કરશે.