રાષ્ટ્રીય શાળા ખાતે ‘ગૃહલક્ષ્મી નારી શક્તિ સન્માન’ સમારંભ યોજાયો
ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને શ્રી રાજકોટ શહેર મહિલા ગૃહ ઉધોગ સહકારી મંડળીના ઉપક્રમે રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં “ગૃહલક્ષ્મી નારી શકિત સન્માન સમારંભ” યોજાયો હતો.આ પ્રસંગે અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ સ્થાપિત કરેલ રાષ્ટ્રીય શાળામાં 40 વર્ષ પૂર્ણ કરનાર સંસ્થાની કર્મનિષ્ઠ મહિલાઓનું સન્માન કરીને હું ગૌરવ અનુભવું છું. મહિલાઓ ઘર-પરિવાર સંભાળવા ઉપરાંત ઘરે બેઠાં પણ કોઈ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરે, તે જરૂરી છે.
મહિલાઓએ પોતાના સમયનો સદુપયોગ કરવો જોઈએ. મહિલાઓ પગભર હશે તો આપોઆપ તેમનું સન્માન વધશે. આપણે એ સ્વીકારવું જોઈએ કે ભાઈઓના સહકારથી જ બહેનો આગળ વધી છે, વધી રહી છે. માટે ભાઈઓ માટે પણ સન્માન હોવું જોઈએ. નિમાબહેને વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ મહિલા દ્વારા થાય છે. સરકાર દ્વારા મને મહિલાને સ્પીકર જેવો મોટો હોદ્દો આપી માત્ર મને સન્માન જ નથી અપાયું, પણ સમગ્ર નારી શક્તિમાં સમાજે વિશ્વાસ મૂકયો છે. વિધાનસભાનાં અધ્યક્ષ નિમાબેનના હસ્તે મંડળીના ર5 વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થતા, પ્રમુખ ઉષાબેન કનુભાઈ ચૌહાણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં 7ર ના નિવૃત્ત આચાર્ય અને મંડળીના ઉપપ્રમુખ રીટાબેન કુબાવત સહિત મંડળીના સાત અગ્રણી બહેનોનુ સન્માન કરાયું હતું.કાર્યક્રમનું સંચાલન જસુમતીબેન વસાણીએ કર્યું હતું. સ્વાગત પ્રવચન પ્રમુખ મધુરિકાબેન જાડેજાએ કર્યું હતું.
પ્રાસંગીક પ્રવચન મંડળીના સલાહકારશ્રી યશવંતભાઈ જનાણીએ કર્યું હતું.આ પ્રસંગે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સંસ્થાના ઉપપ્રમુખ નયનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાઓને તક મળે તો તે ધારે તે કરી શકે, મહિલા સેવા સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે, સમાજના વિકાસ માટે મહિલાની તમામ ક્ષેત્રે ભાગીદારી નહિ પણ ખાસ કરીને સહયોગ જરૂર છે… મહિલાઓએ ભણતરની સાથે ગણતર અને સ્વરક્ષણની તાલીમ ની કેળવણી પણ લેવી જોઈએ જેનાથી સમાજનું સશક્તિકરણ વધુ સુદ્રઢ બનાવવા નિમિત્ત બને, મહિલાઓની ભાગીદારી આજે નહિ પરંતુ ભારતીય પરંપરા ઋષિ કાળથી સમાજમાં મહિલાને સમોવડી રાખવા નો રિવાજ અને પરંપરા છે . સમાજના વિકાસ માટે મહિલાઓની તમામ ક્ષેત્રે સહભાગિતા જરૂરી હોવાનું વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.