13 ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે 409 ખેલાડીઓની હરાજી થશે
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજીની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)એ પણ આ ટૂર્નામેન્ટ ક્યારે રમાશે તેની તારીખોની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ કહ્યું છે કે મહિલા આઈપીએલની પ્રથમ હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં થશે. મહિલા પ્રીમિયર લીગ સિઝનમાં કુલ 5 ટીમો હશે, જેમાં કુલ 90 સ્લોટ ખાલી છે. એટલે કે 409માંથી વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. વિદેશી ખેલાડીઓ માટે વધુમાં વધુ 30 સ્લોટ ખાલી રહેશે.
હરાજીમાં મહત્તમ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 24 ખેલાડીઓને આ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ સ્લોટમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન શફાલી વર્મા સહિત 11 ભારતીય ખેલાડીઓને આ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે 13 ખેલાડીઓ વિદેશી છે.
આઈપીએલની પ્રથમ હરાજીમાં 1525 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ, જેમાંથી 409 મહિલા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાંથી 246 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 163 મહિલા ખેલાડીઓ વિદેશી છે. જેમાંથી 8 ખેલાડીઓ સહયોગી દેશોના છે.
30 ખેલાડીઓને 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં
આ સિવાય 30 ખેલાડીઓને 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝવાળી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. બાકીની મહિલા ખેલાડીઓ 30 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતી કેટેગરીમાં છે.