રિલે રેસ, સ્ટીક બેલેન્સ, મ્યુઝિકલ ચેર અને લીંબુ ચમચી જેવી રમતોથી સ્વાસ્થ્ય સુધારવા મહિલાઓ મેદાનમાં
રઘુવંશી મૈત્રી મહિલા મંડળ-ગાંધીગ્રામ દ્વારા રાજકોટમાં સૌપ્રથમ વખત મહિલા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ વિસ્તારમાં બપોરે યોજાયેલા આ અનોખા રમતોત્સવમાં લીંબુ ચમચી, દોડ, ત્રિપગી દોડ, ૫૦ મીટર દોડ, સ્ટીક બેલેન્સ, મ્યુઝિકલ ચેર વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વિજેતા થનારી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની વિજેતાઓને મંડળ દ્વારા પારિતોષિકો આપવામાં આવ્યા હતા.
આ મહિલા રમતોત્સવ અંગે આયોજક રઘુવંશી મહિલા મૈત્રી મંડળ, ગાંધીગ્રામના પ્રમુખ કમલાબેન ભાગ્યોદયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમોએ મહિલા રમતોત્સવનું આયોજન કરેલું છે. તેના પાછળનો ઉદેશ્ય સમાજમાં બહેનોને આગળ લાવવાનો છે.
ઘરનું તમામ કામ બહેનો કરે છે સાથે હવે બહેનો આરોગ્યને લઈને જાગૃત થઈને જીમ, જુમ્બા ડાન્સ વગેરે કરે છે પરંતુ બહેનોને બહાર લાવવા માટે રમતોત્સવનું આયોજન કરીએ જેથી બહેનો વધુને વધુ આગળ આવે અને પોતાના આરોગ્ય માટે જાગૃત થાય તેવો પ્રયાસ છે. આ રમતોત્સવમાં લીંબુ-ચમચી, મ્યુઝીકલ ચેર, ત્રિપગીય દોડ, સ્ટીક બેલેન્સ, ૫૦ મીટર દોડ વગેરે જેવી રમતોનું આયોજન કરેલું છે અને તેમાં ૨૦૦ જેટલી બહેનોએ ભાગ લીધેલો છે.
આ રમતોત્સવમાં ભાગ લેનારા ખેલાડી ઉર્વી ભાગ્યોદયે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, લીંબુ-ચમચી, ત્રિપગી દોડ, ૫૦ મીટર રેસ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેં લીંબુ-ચમચી રમતમાં ભાગ લીધો છે અને મને બહુ જ મજા આવી છે. મને આ રમતોથી મારું બાળપણ યાદ અપાવી દીધું છે. હું જયારે સ્કુલમાં ભણતી હતી અને વિવિધ રમતો રમતી હતી તેની યાદ અપાવી દીધી છે જેને લઈને હું ખુબ ઉત્સાહિત છે અને ખુબ મજા માણી છે.