ગુજરાત ભાજપ સરકાર સામે તીર છોડતાં રેશ્મા પટેલ

ભાજપમાં જ મહિલા અગ્રણી પક્ષથી નારાજ હોવાનું બહાર આવ્યું

ગુજરાત રાજય ભાજપની સરકાર માત્ર ચુંટણી સમયે મહિલાઓ માટે સ્ત્રી સશકિતકરણની વાતો જ કરે છે જો મહિલાઓની સાચી ચિંતા હોય તો રાજયમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. લોકસભા અને વિધાનસભા તેમજ સહકારી ક્ષેત્રમાં ૫૦% સ્ત્રીઓને બેઠકોની ફાળવણી શા માટે નથી કરતા ? લોકસભાની ચુંટણીમાં હવે મહિનાઓ જ બાકી છે ત્યારે પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી રાજય સરકાર સામે મહિલા સશકિતકરણના નામે તીર છોડતા પક્ષની નારાજગી બહાર આવી રહી હોવાનું રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગઈકાલે પ્રદેશ મહિલા ભાજપના અગ્રણી અને પ્રખર વકતા રેશ્મા પટેલે ગુજરાત ભાજપની સરકાર તેમજ ઉચ્ચ નેતાઓ સામે તીર છોડતા જણાવેલ કે ગુજરાત ભાજપને જો સાચી મહિલાઓ પ્રત્યે લાગણી હોય તો મહિલાઓને સશકત મજબુત અને સુરક્ષિત બનાવવા લોકસભા અને વિધાનસભામાં ફરજીયાત ૫૦% મહિલાઓને ટીકીટની ફાળવણી કરવી જોઈએ. રેશ્મા પટેલે દરેક મહિલાઓને આહવાન કરતા જણાવેલ કે મહિલાઓએ રાજનીતિમાં ૫૦% ભાગીદારી માંગવી જોઈએ. મહિલા સશકિતકરણના માત્ર ભાજપ પક્ષ વાતો કરે છે અને ચુંટણી સમયે મહિલાઓ યાદ આવે છે અને મહિલા અધિવેશનો થાય છે. મહિલાઓને કથજીતવી સમજીને માત્ર ગ્રાઉન્ડ વર્કમાં લોકોની ભીડ જમા કરવાનું કાર્ય સોંપવામાં આવે છે. બાકી જયારે ઉચ્ચ સ્થાનની વાત આવે ત્યારે ઘોર અવગણના થાય છે.

ગુજરાતનું જ ઉદાહરણ લઈએ તો ૧૮૨ વિધાનસભામાં મહિલાઓને માત્ર ૧૩ ટીકીટો આપી મહિલાઓના રાજકીય ભાગીદારોમાં રમત રમે છે. ૧૫ માસની નાની કુલ જેવી દિકરીઓ પર બળાત્કારો કરવાના નરાધમોની વધતી હિંમતની પાછળ કારણભૂત કોણ ? બે-ચાર રાજકીય મહિલાઓના ઉદાહરણ આપી માત્ર રાજકીય સશકિતકરણની વાતો કરતી સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે સૌએ ૫૦% મતદાતાઓ એવી મહિલાઓને સશકત બનાવવા માંગતા હોવ તો ૫૦% મહિલા અનામત બિલ પાસ કરી રાજકારણ તેમજ સહકારી દરેક ક્ષેત્રમાં મહિલાઓના હક સુરક્ષિત કરો. છેલ્લા થોડાક સમયથી ગુજરાત ભાજપની સરકાર સામે મહિલા ભાજપના અગ્રણી રેશ્મા પટેલ વિવિધ મુદે ઝાટકણી કાઢી રહ્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની નારાજગી બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.