રાજય મહિલા આયોગ અને મનપાનાં સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો: અંજલીબેન રૂપાણી, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિ; ૭૦૦થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવ્યું
૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વ ૨૦૨૦ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહેલી હોઈ જે અંતર્ગત રાજય મહિલા આયોગ અને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મહિલાઓનાં સામાજીક પ્રશ્ર્નોના નિરાકરણ અંતર્ગત નારી અદાલતની સમજ, મહિલા સશકિતકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તેવા શુભ હેતુથી નારી સંમેલન કાર્યક્રમનું પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શહેર ભાજપા મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી તેમજ ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, રાષ્ટ્રીય મંત્રી અનૂસુચિત જાતી મોરચાના ભાનૂબેન બાબરીયા, જાણીતા એડવોકેટ જાગૃતિબેન આચાર્ય જાણીતા તબીબ ડો. દર્શનાબેન પંડયાએ હાજરી આપી હતી.
રૂપાબેન શીલુ શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ કમિટી ચેરમેનએ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આ નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર રાજકોટની નારીઓ તેમજ આંગણવાડી બહેનો હેલ્પવર્કર બેનોને માર્ગદર્શન અપાયું.
નારીને લગતા પ્રશ્ર્નો જેવા કે કાયદાલક્ષી અને આરોગ્ય લક્ષી આ પ્રશ્ર્નો ભવિષ્યમાં એમના પરિવારમાં ક્યારે ન આવે તે માટે સરકાર તેમને કેવી રીતે મદદ રૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન અપાયું કૂપોષણને લગતી આરોગ્યની બાબતો વિશે મહિલાઓને વધુ માહિતી મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ૭૦૦થી પણ વધુ મહિલાઓ ઉપસ્તિત રહી હતી.
લીલાબેન આંકોલીયા ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓને તેમના હકો અને તેમની કાર્યક્ષમતામાં વધુ જાગૃતતા લાવા માટે આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને અદાલતની સમજ, મહિલા વિષયક યોજનાઓ તેમજ મહિલા સશકિતકરણ વિષે માહિતી અપાઈ હતી.