બાંગ્લાદેશની મહિલાઓએ રોમાંચક મેચમાં છ વખતની ચેમ્પિયન ભારતને હરાવીને રવિવારે અહીં એશિયા કપનું ટાઇટલ જીતી લીધું. ભારત સિવાય પ્રથમવાર કોઇ અન્ય ટીમે આ ટાઇટલ જીત્યું છે. રાઉન્ડ રોબિન લીગમાં પણ ભારતને હરાવનાર બાંગ્લાદેશની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૧૩ રન બનાવીને ભારત પર ત્રણ વિકેટે જીત મેળવવાની સાથે ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાનાએ સૌધી વધુ ૨૭ અને રૂમાના અહમદે ૨૩ રન બનાવ્યા.
ભારત તરફથી પૂનમ યાદવે નવ રન આપીને ચાર વિકેટ ઝડપી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે ૧૯ રન આપીને બે વિકેટ ઝડપી. આ પહેલા ભારતે કેપ્ટન હરમનપ્રીત કૌર (૫૬)ની શાનદાર અડધીસદીની મદદથી ૯ વિકેટે ૧૧૨ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ખાદિજા અને રૂમાનાને બે-બે સફળતા મળી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર (૫૬)ની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપના ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ૧૧૩ રનનો ટાર્ગેટ રાખ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ખાદિજા કુલ કુરબા અને રૂમાના અહમદે બે-બે વિકેટ ઝડપી જ્યારે સલમા ખાતૂન તથા અહાંઆરા આલમને એક-એક સફળતા મળી હતી.