‘‘વિશ્વ યોગ દિન’’ નિમિત્તે રેસકોર્સના સ્નાનાગારમાં ૬ થી ૮૪ વર્ષની ૧૨૬ મહિલાઓએ કર્યા સામુહિક યોગ
‘‘વિશ્વ યોગ દિન’’ નિમિત્તે મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષના લોકમાન્ય તિલક સ્નાનાગારમાં ૬ થી ૮૨ વર્ષની ૧૨૬ મહિલાઓએ ઉત્સાહભેર સામૂહિક એકવા(પાણી) યોગ કર્યા હતા. જેમાં ૬ થી ૧૨ વર્ષની ૧૪ બાળાઓએ પણ યોગ કર્યા હતા.
મેયર શ્રીમતિ બીનાબેને શારીરિક રીતે અસ્વસ્થ મહિલાઓ માટે એકવા યોગને અકસીર ઉપાય ગણાવતાં જણાવ્યું હતું કે, પાણીમાં યોગ કરવાથી શારીરિક રીતે ઓછી સક્ષમ હોય એવી મહિલાઓને સરળતા રહે છે, અને તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તથા એકવા યોગથી સાંધાના દુ.ખાવા મટે છે, પાચન તંત્ર પણ સારુ રહે છે.
યોગ શિક્ષક શ્રી અલ્પાબેન શેઠે ઉપસ્થિતોને ૪૫ મિનિટ સુધી નમસ્કાર મુદ્રા, જ્ઞાન મુદ્રા, ઉત્કટાસન, હસ્તાસન, તાળાસન, વજ્રાસન, વૃક્ષાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન, શવાસન વગેરે જેવા એકવા યોગાસનો કરાવ્યા હતા. આ માટે રેસકોર્સ સ્નાનાગારની મહિલા સભ્યોને ૧૦ દિવસની વિશેષ તાલીમ અપાઇ હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્વિમર્સ મૈત્રી જોષી, રિશ્મા જાની, વિશ્વા પરમાર, કૃપા કક્કડ અને પ્રીશા ટાંકે જુદા-જુદા ધ્વજ લઇને સ્નાનાગાર ખાતે ફલેગ માર્ચ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રીમતી સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોત, શ્રીમતી સીમાબેન બંછાનિધિ પાની, મહેકબેન અંપરિપ સુદ, શ્રીમતી વંદનાબેન નીતિનભાઇ ભારદ્વાજ, વૈશાલીબેન ઉદયભાઇ કાનગડ, બીનાબે કમલેશભાઇ મિરાણી, સ્વીમીંગ કોચ ભારતીબેન ગોંધિયા અને પ્રતાપભાઇ અઢિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
એક્વા યોગના મંચ પર એકઠી થયેલી મહિલાઓ
-
પોલીયોગ્રસ્ત યુવતી ઇન્દ્રેશ પલાન,
-
૬ વર્ષની બાળકીઓ ત્વીષા અને ક્રીશા
-
૮૩ વર્ષના મનોયુવાન મહિલા ભદ્રાબેન
અડગ મનના મુસાફરને કદી રસ્તો નથી નડતો, એ ઉક્તિ રાજકોટ ખાતે યોજાયેલા એક્વા યોગમાં સાર્થક થતી જોવા મળી હતી.
પાણીમાં યોગ કરતી ઇન્દ્રેશ પલાનને જોઇને માની ન શકાય કે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવી આ યુવતી પોલીયોગ્રસ્ત છે. સામાન્ય પરિસ્થિતિમાં ઇન્દ્રેશ પોતાનો પગ વાળી નથી શકતી, પરંતુ થોડી તાલીમ લેવાથી તે એકદમ કુશળતાથી અને ખાસ કોઇ તકલીફ વગર યોગના તમામ આસનો કરી શકતી હતી.રાજકોટની ઇન્દ્રેશને એકવા યોગથી ખૂબ સારૂં લાગે છે, અને તેણી પોતાની દિવ્યાંગતા ભૂલી તન્મયતાથી યોગાસન કરી શકે છે. યોગાસનનો આ પણ એક આયામ છે.
પહેલા ધોરણમાં ભણતી ક્રીશા દેસાઇ અને ત્વીષા શુકલને મળીએ તો નક્કી જ ન થઇ શકે કે આ બંને બાળકીઓને હસવું વધુ આવે છે કે યોગ કરવાની મજા વધુ આવે છે…સરળતાથી હસતાં હસતાં આ બંને બાળકીઓ જલપરીની અદાથી યોગ કરતી જોવા મળી હતી. બંનેને આમાં મસ્તી પણ ખૂબ આવતી હતી. યોગના માધ્યમથી તેઓ ખૂબ પ્રગતિ કરે, એવી શુભેચ્છા ઉપસ્થિત તમામ મહિલાઓના મુખેથી સ્વયંભૂ રીતે નીકળતી જોવા મળી હતી.
જિંદગીનો ભરપૂર અનુભવ મેળવી ચુકેલા ૮૩ વર્ષના ભદ્રાબેન દેસાઇ સંપૂર્ણ સ્વસ્થતાથી યોગ કરતા હતા. તેમને મળનાર કોઇનામાં પણ ઉત્સાહનો સંચાર થયા વિના ન રહે. સુડોળ બાંધાના ભદ્રાબેન ૮૩ વર્ષે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં એકદમ જીવંત લાગતા હતા. ઉડીને આંખે વળગે એવા તેમના જીવન પ્રત્યેના ઉમંગથી તેઓ સમગ્ર રેસકોર્સ સ્નનાગારમાં અલગ જ તરી આવતા હતા. છેલ્લા ૧૪ વર્ષથી સતત સ્વિમિંગ કરતા ભદ્રાબેને સતત ૪૫ મિનિટ સુધી એક્વા યોગ કરીને ઉપસ્થિત તમામ બહેનો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત પૂરું પાડયું હતું.
રાજકોટ શહેરની વિવિધ ઉંમરની બહેનોને એક્વા યોગ થકી એક સબળ પ્લેટફોર્મ મળ્યું છે, એમાં બેમત નથી.