સુપ્રીમકોર્ટ તરફથી પૂજાનો અધિકાર મળ્યા પછી કેરળ સબરીમાલા મંદિર બુધવારે પહેલી વખત ખૂલવા જઇ રહ્યું છે. પૂજા માટે મહિલાઓની પહોંચવાની સંભાવના વચ્ચે તેમને રોકવા માટે સેંકડોની સંખ્યામાં અય્યપ્પા ભક્ત મહિલાઓએ મંદિરથી 20 કિલોમીટર પહેલાં જ નાકાબંધી કરી છે. પરંપરાગત સાડીઓમાં અય્યપ્પા ભક્ત મહિલાઓ સબરીમાલાના પ્રવેશદ્વાર નિલાક્કલ અને વિવિધ માર્ગો પર મોરચો માંડી દરેક ગાડીઓ અને બસોનું ચેકિંગ કરી રહી છે.
મહિલા પત્રકારોને પણ કવરેજ માટે સબરીમાલા જવા દેવામાં નથી આવી રહ્યા. સરકારી બસમાં મહિલાઓનો એક સમૂહ મંદિર નજીક પામ્બા સુધી પહોંચી જતાં સ્થિતિ તનાવપૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ પછીથી તેમને બસમાંથી ઉતારી દેવાયાં હતાં.
#WATCH: Women protest in Nilakkal against the entry of women in the age group of 10-50 to #Sabarimala temple. #Kerala pic.twitter.com/GuxDZo0R7G
— ANI (@ANI) October 17, 2018
સ્થળ પર તેનાત પોલીસ પણ અય્યપ્પા ભક્તોને રોકવામાં નિષ્ફળ છે. જોકે મુખ્યમંત્રી પી. વિજયન કહી રહ્યા છે કે શ્રદ્ધાળુઓને સબરીમાલા મંદિર જતા અટકાવવાની કોઇને પણ પરવાનગી નહીં અપાય. ઘણા શ્રદ્ધાળુ પહોંચી જતા નિલાક્કલ, પામ્બા અને સબરીમાલામાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસની માસિક પૂજા પછી 22 ઑક્ટોબરે મંદિર બંધ કરી દેવાશે.