ગૃહ ઉદ્યોગને લગતી મશીનરી ખરીદવા 1 લાખ સુધીની સહાય આપતી રાજય સરકાર
રાજકોટના બાગાયત વિભાગ દ્વારા “ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા તાલીમાર્થી સ્ટાઈપેન્ડ યોજના” અંતર્ગત આશરે 181 મહિલાઓને તાલીમ અપાઇ હતી.
સવારે નાસ્તો, બપોરે ટિફિન અને રાત્રે ફરી ભોજન બનાવતી અન્નપૂર્ણા પોતે બનાવેલા ભોજનમાં રહેલા શાકભાજીના દરેક પોષક તત્વો વિશે જાણકારી મેળવે અને પરિવારના સ્વાસ્થ્યની સાથોસાથ પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે, તેવા હેતુસર રાજ્ય સરકારના નેજા હેઠળ કાર્યરત રાજકોટ બાગાયત વિભાગ દ્વારા “ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા તાલીમાર્થી સ્ટાઈપેન્ડ યોજના” અંતર્ગત મહિલાઓને નાના પાયા પર ઘરે જ ફળો અને શાકભાજી ઉગાડવાની તાલીમ આપવામાં આવે છે.
આ યોજનાના ભાગરૂપે બાગાયત વિભાગ દ્વારા 18 થી 45 વર્ષના અને ઓછામાં ઓછું 10 ધોરણ ભણેલા બહેનોને ઘર બેઠા તથા કેનિંગ ઓફિસ, રાજકોટમાં ફળ અને શાકભાજીનું પરીક્ષણ, ફળ અને શાકભાજી બગાડ થવાના કારણો, પરીક્ષણના સિદ્ધાંતો, અલગ અલગ ફળ અને શાકભાજી માંથી બનતા જામ, જેલી, મારમાલેડ, મુરબ્બા, અથાણા, કેચઅપ વગેરે બનાવટો અંગે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા થીયરી અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.જેની સાથોસાથ વિવિધ પરીક્ષણોની ઓળખ કરાવી તેની ઉપયોગીતાની પણ જાણકારી આપવામાં આવી હતી.
કૌશલ્ય લક્ષી તાલીમની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા દિવસ દીઠ મહિલાઓને કુલ રૂ. 250 સ્ટાઇપેન્ડ રૂપે આપવામાં આવે છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં બે દિવસના ત્રણ ક્લાસમાં 75 બહેનોને અને પાંચ દિવસના ત્રણ ક્લાસમાં કુલ 106 બહેનોએ આ પ્રકારની તાલીમ અપાઇ ચુકી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમની તાલીમને લગતું સર્ટિફિકેટ આપવામાં આવે છે.
કિચનની રાણી, અન્નપૂર્ણા જેવા શબ્દોથી સુશોભિત થયા બાદ હાલ, આત્મનિર્ભર ભારતને વેગ આપી ગૃહ ઉદ્યોગ અને મહિલા સાહસિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઇરછતી મહિલાઓ બાગાયત ખાતાની ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ લીધા બાદ પોતાના ગૃહ ઉદ્યોગ સ્થાપિત કરવા ઈરછા ધરાવતી હોય અને એના માટે મશીનરીની ખરીદી કરવાની હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક લાખ અથવા તો 75 ટકા બે માંથી જે ઓછું હોય તેની સબસીડી પણ બાગાયત ખાતા દ્વારા આપવામાં આવે છે.
અત્રે, ઉલ્લેખનીય છે કે, કેનીંગ ક્લાસ તથા સબસીડીની અરજી કરવા ઇરછુકોએ ikhedut. gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરી, એપ્લિકેશનની પ્રિન્ટ,આધારકાર્ડ, બેંક પાસબુક અને રાશનકાર્ડ બાગાયત વિભાગની કચેરીએ જમા કરાવવાના રહેશે તેમ કેનિંગ બાગાયત અધિકારી આસિત કે.ટાંક દ્વારા જણાવવામાં આવ્યું છે.