ધોમધખતા તાપમાં એક બેડા પાણી માટે ચાર-ચાર કિ.મી. વલખા મારવા પડે છે: મુખ્યમંત્રીને રજુઆત છતાં ગામ તરસ્યું
સુરેન્દ્રનગર જિલ્લાનાં નાના-મોટા તમામ તાલુકાઓમાં પાણી પાણીનો પોકાર પડયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામ ખાતે સરકાર દ્વારા શહેરની શહેરી જનતાને ૨૦-૨૦ દિવસ સુધી પીવાનું પાણી ન મળવાનાં કારણે સાયલા ગામની વસ્તી પાણી માટે વલખા મારી રહ્યા છે.
સાયલા ગામની મહિલાઓ પાણી માટે ૪-૪ કિમી સુધી બેડા પાણી માટે કુવામાં રઝળપાટ કરવો પડતો હોવાનું જણાવી રહી છે. સાયલા ગામની ૨૫૦૦૦ હજારની વસ્તી અને ઢોર ઢાખર વગેરેને માટે પીવાના પાણીની કટોકટી ગંભીર સમસ્યા હાલમાં સર્જાવા પામેલ છે. ગામનાં લોકોને જયારે પીવા માટેનું પાણી મેળવવા માટે રજળપાટ કરવા પડે છે ત્યારે નાવા ધોવાના પાણીનો તો સવાલ જ પેદા નથી થતો ત્યારે સાયલા ગામમાં ૨૦ દિવસે પાણી પીવા માટે હાલ મળે છે ત્યારે પાણી મેળવવા માટે પણ બેડાયુદ્ધ જગજાહેરમાં સર્જાય છે.
સાયલા ગામના ગ્રામવાસીઓ દ્વારા પાણી માટેની રજુઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હોવાનું હાલમાં જણાવવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ આજદિન સુધી આ સાયલા ગામની ૨૫૦૦૦ની વસ્તી ધરાવતા આ સાયલા ગામના ગ્રામજનો માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાણીની વ્યવસ્થા કરી શકયા નથી ત્યારે પાણીને લઈ મહિલાઓમાં ભારે રોષ છવાયો છે.
લાલજી મહારાજ જગ્યામાં પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ
સુરેન્દ્રનગરનાં આ સાયલા ભગતનાં નામથી ઓળખાતું ગામ છે જયાં આ સાયલા ગામમાં લાલજી મહારાજની જગ્યા આવેલ છે. આ જગ્યાનાં મહંતને પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓના પાણી માટેની જાણકારી મળતાં સાયલા લાલજી મહારાજ જગ્યામાં મોટર મુકી ૧૦ નળ મુકાવ્યા અને હાલ ગ્રામજનોને પીવાના પાણી માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સંસ્થા ગામના લોકોની વહારે આવી છે પરંતુ સરકાર પાણી પ્રજાને લઈને સદંતર નિષ્ફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.