થોડું વ્હાલ, હૂંફ, કાળજી અને સમજદારી આટલું મળી જાય તો કોઇ સ્ત્રી પોતાનાં સંબંધને વિખેરાવા ન દે.!!
“હું તારી પાસે ક્યાં જાજુ માંગુ છુ, પ્રેમ, લાગણી અને અને હૂંફ તો ઝંખું છું….”આજે યુગ પરિવર્તનની સંબંધોમાં પ્રેમ અભિવ્યક્ત કરવાની પરિભાષા પણ બદલાઈ છે. હાર્ડ ઍન્ડ ફાસ્ટ બનતી જતી આ જીંદગીમાં સંબંઘ રૂપી ગાડી માંથી જો એક પણ પૈડુ ખોટવાઈ તો સંબંઘ ખોરવાઈ જાય છે. કોઈપણ સંબંધમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે કે જેમાં પ્રેમ, લાગણી, હૂંફ, માન – સન્માન, જાતીય સંબંધ વગેરે અસર કરતા હોય છે અને જ્યારે કોઈ સ્ત્રીને પોતાના પાર્ટનર તરફથી જે પ્રેમ અને હૂંફ મળવા જોઇએ અને તેની લાગણીની જે કદર થવી જોઈએ એ નથી થતી ત્યારે તે પરપુરુષ તરફ વળે છે કે પછી તે સંબંધમાંથી છૂટકારો મેળવવા પ્રયાસ કરે છે.
આજના સમયમાં આધુનિક જીવનની જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય, તો એ ઇન્ફિડેલિટી અથવા સંબંધમાં બેવફાઈ અથવા અપ્રમાણિકતા છે. ગઈ કાલ સુધી આ માત્ર પુરુષનો ઇજારો હતો. પરંતુ આજે હવે લગ્નજીવનમાં કે સંબંધમાં સ્ત્રીની ઇન્ફિડેલિટી કે બેવફાઈ પણ બહુ મોટી સમસ્યા બની ગઈ છે. કદાચ આંકડા તપાસીએ તો સમજાય કે પુરુષ કરતાં સ્ત્રીની બેવફાઈના આંકડા હવે વધી ગયા છે. સ્ત્રી પણ અંતે તો માણસ જ છે. એની ઝંખનાઓ, ઇચ્છાઓ કે ખેવનાઓ પુરુષથી જુદાં નથી. આજથી એક દાયકા પહેલાં સ્ત્રીની દુનિયા નાનકડી અને સીમિત હતી.
પરંતુ હવે સ્ત્રીઓની અપેક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પણ બદલાઈ છે.સ્ત્રીઓને પણ હવે સમજાયું છે કે તેઓ એક સંબંઘમાં બંધાય છે ત્યારે તેને પણ ખુશી પ્રાપ્ત કરવાનો હક્ક છે.જેમાં ખાસ કરીને દરેક સ્ત્રીની વફાદારી સાથે પ્રેમના આ પ્રકારો સંબંધિત હોય છે.
1) હૂંફ, લાગણી અને પ્રેમની અછત:સ્ત્રી કોઈપણ સંબંઘમાં પોતાની જાતને હોમી દે છે ત્યારે તેની અપેક્ષા તેના પાર્ટનર પાસેથી એટલી તો હોય જ છે કે તેનો પાર્ટનર તેને સમજે , સમજદારી પૂર્વક તેનો સાથ નિભાવે અને જ્યારે કોઈ સ્ત્રીને પોતાના પાર્ટનર તરફથી પ્રેમ અને હૂંફ નથી મળતું ત્યારે તે સંબંઘની સારસંભાળ કરવાની ઓછી કરે છે અને બહારના લોકો તરફ આકર્ષાય છે.
2) જાતિય સુખ: પુરુષો જાતિય સુખ અંગે વધુ બોલતા અને વિચારતા હોય છે ત્યારે સ્ત્રી આકાંક્ષાઓ સેવતી હોય છે.‘પુરુષ વિચારે જ્યારે સ્ત્રી ઈચ્છે છે.’ કારણ કે સ્ત્રીઓ ઘણી વખત પહેલ કરવામાં શરમાળ હોય છે.સંબંધોને સ્થિર રાખવામાં જાતિય સંબંધ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જે સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવનાર સાબિત થાય છે. પરંતુ જ્યારે સ્ત્રીને જાતિય સુખ પ્રાપ્ત નથી થતું ત્યારે બેવફાઈના બીજ પણ ક્યારેક રોપાય છે.3) સ્ત્રીનું સન્માન પુરુષ માટે સૌથી મોટું અને ખોટું હથિયાર અવગણના, અબોલા કે પોતાની પત્ની અથવા પ્રેમિકાનું અપમાન છે.
થોડોક વખત કદાચ સહન કરી પણ જાય, મનાવવાનો કે સુધારવાનો પ્રયાસ કરી પણ જુએ, પરંતુ એ પછી કમાતી, સ્વમાની અને માનસિક રીતે સ્વતંત્ર થઈ ગયેલી સ્ત્રી માટે આ અવગણના, અબોલા કે અપમાન લાંબો સમય સુધી સહેવા અઘરા થઈ જાય છે. ઘરમાં પણ જો કોઈ એની લાગણી, સંવેદના કે તકલીફ ન સમજતું હોય તો એ બહાર સમજદારી કે સમસંવેદના શોધે છે.