- ગોકુલધામ આવાસ યોજનાના નામચીન બુટલેગરે પોલીસ મથકમાં જઇ પોલીસની હપ્તા સિસ્ટમની પોલ ખોલી
- મહિલાઓએ બેફામ ગાળો ભાંડી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા: પોલીસ દારૂ પીવા આવતા હોવાના આક્ષેપોથી ચકચાર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની મીઠી નજર હેઠળ ઠેર ઠેર દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે. જેના કારણે તાજેતરમાં જ બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને જૂનાગઢમાં બે દિવસ પહેલાં જ બે રિક્ષા ચાલકના ઝેરી દારૂ પીવાના કારણે મોત નીપજ્યા હોતા પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠની પોલ છતી થાય છે. આવી જ એક પોલીસ માટે શરમજનક બનાવ માલવીયાનગર પોલીસનો સામે આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સાત માસમાં બીજી વખત દેશી દારૂના ધંધાર્થીને ત્યાં દરોડો પાડી સાત સ શખ્સોને ઝડપી લેતા માલવીયાનગર પોલીસના બુટલેગર સાથેની સાંઠગાંઠ બહાર આવી છે. એટલું જ નહી મુખ્ય સુત્રધાર પોતાના વિસ્તારની કેટલીક મહિલાઓને પોતાની સાથે માલવીયાનગર પોલીસ મથકે જઇ હપ્તા આપુ છે. તેમ છતાં કેમ દરોડો પડયો તેવા આક્ષેપ કરી પોલીસ સ્ટાફને બેફામ ભાંડી માલવીયાનગર પોલીસની આબરૂના ધજાગરા ઉઠાવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં સ્થાનિક પોલીસની મહેરબાનીથી હાર્દિક ઉર્ફે કવિ હરેશ સોલંકી નામનો બુટલેગર બેરોટોક દેશી દારૂની ભઠ્ઠી ચલાવી ત્યાં દારૂના બંધાણીઓને દારૂના સેવન માટેની તમામ સગવડ પુરી પાડી મીની બાર ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ. સી.એન.પરમાર સહિનતા સ્ટાફે દરોડો પાડી સાત શખ્સોને 200 લિટર દેશી દારૂ અને 3000 લિટર દેશી દારૂ બનાવવાનો આથો કબ્જે કર્યો છે.
ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં લાંબા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો કાળો કારોબાર ચલાવતા હાર્દિક ઉર્ફે કવિ સોલંકીના મીની બાર પર સાત માસ પહેલાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂના ગુનામાં જામીન પર છુટી હાર્દિક ઉર્ફે કવિ સોલંકીએ ફરી દારૂ બનાવવાનું અને ધમધોકાર વેચાણ કરતો હોવા છતાં માલવીયાનગર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતો ન હોવાથી ફરી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકી ભાગી ગયો હતો અને થોડીવારમાં જ પોતાના વિસ્તારની મહિલાઓના ટોળા સાથે માલવીયાનગર પોલીસ મથકે જઇ બઘડાટી બોલાવી હતી. પોલીસને મોઢે માગ્યો હપ્તો આપવામાં આવે છે તેમ છતાં પોતાને ત્યાં કેમ દારૂનો દરોડો પડયો તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેટલીક મહિલાઓએ માલવીયાનગર પોલીસ મથકમાં જ પોલીસ સ્ટાફને બેફામ ગાળો ભાંડી હતી. પોલીસ મથકમાં જ બેફામ બઘડાટી કરવા છતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ દ્વારા બુટલેગર સાથે ઘસી આવેલી મહિલાઓ સામે કાર્યવાહી કરી ન હતી અને સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના દરોડા દરમિયાન ભાગી છુટેલા બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકીની ધરપકડ કરી હતી.