- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલસ્પનના સહયોગથી ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામની વિદ્યાર્થિનીઓ તથા ગ્રામ્ય સ્પન કેન્દ્રની સખી મંડળની બહેનો સાથે કર્યો સંવાદ
કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલસ્પન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશિપ યોજનાની વિદ્યાર્થિનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્યકક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની 120 બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો .
રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે જે વેલસ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે, તે સખી મંડળની 120 જેટલી બહેનોએ મુખ્યમંત્રી સાથે સંવાદ કરીને કંપનીના સહયોગ તથા પોતાની કળાના માધ્યમથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી રોજગારી મેળવી રહી છે તે અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ 80 વર્ષના સાકરબા ચોહાણ, નયનાબા જાડેજા, ઇન્દુબા જાડેજા અને હેતલ સરખડી સાથે મુખ્યમંત્રીએ સંવાદ કરીને મેકરમી, ક્રોસિયા, ભરતકામ તથા વણાટકામની ગૃહ સજાવટની પ્રોડક્ટ અંગે માહિતી મેળવી હતી. સ્પનના જનરલ મેનેજરે કચ્છની મહિલાઓ દ્વારા વેસ્ટમાંથી બનાવાતી બેસ્ટ વસ્તુઓની ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચ તથા 16 વર્ષમાં સ્પન સેન્ટરના માધ્યમથી થયેલા મહિલા સશક્તિકરણની વિગતોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતગાર કર્યા હતા.
આ સાથે કંપનીના શિક્ષણ સ્પોન્સરશિપ યોજના અંતર્ગત શૈક્ષણિક અને નાણાંકીય સહાય મેળવતી વિદ્યાર્થિનીઓ સાથે પણ મુખ્યમંત્રીએ તેમના શિક્ષણ, રોજગાર વગેરે અંગે મૃદુતાપૂર્વક સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્ય સરકારની યોજનાઓને કચ્છના છેવાડાના માનવી સુધી પહોડવામાં સહયોગ આપતી વેલસ્પન કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ તકે એજ્યુકેશન પ્રોગ્રામ સાથે જોડાયેલી યુવતીઓ તથા વિદ્યાર્થીનિઓએ તેમની સાફલ્ય ગાથા તેમજ તેમના અનુભવો મુખ્યમંત્રીને જણાવ્યા હતા. આ પ્રસંગે ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડિગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, વેલસ્પન કંપનીના ચેરમેન બી.કે. ગોયનકા, વેલસ્પન લિવિંગ લિમિટેડના CEO દિપાલી ગોયનકા, ડાયરેક્ટર એ. કે. જોશી, આગેવાન દેવજી વરંચદ, ધવલ આચાર્ય, મુખ્યમંત્રીના અધિક સચિવ એમ.કે. દાસ, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે.પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી