રેસકોર્સ ખાતે સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લો મુકતાં વાહન વ્યવહારમંત્રી અરવિંદભાઈ રૈયાણી
મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે ગ્રામ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત સરકારના વંદે ગુજરાત 20 વર્ષનો વિશ્વાસ – 20 વર્ષના વિકાસના પ્રદર્શન અને સખી મેળાનું રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રંસગે મંત્રી રૈયાણીએ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાતત્યપૂર્વક પ્રયાસો કરી રહી છે. મહિલાઓ પોતાનામાં રહેલી આવડતોને બહાર લાવીને આજીવિકા મેળવીને આત્મનિર્ભર બને તેવી નેમ સાથે આ સખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે મંત્રી અરવિંદભાઈએ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનીને રાષ્ટ્રીય સ્તરે અન્ય મહિલાઓને રોજીરોટી પુરી પાડવા નિમિત્ત બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વની પ્રશંસા કરી મહિલાઓના સશક્તિકરણ માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રાજ્ય સરકારનું ’વંદે ગુજરાત 20 વર્ષનો િ વશ્વાસ અને 20 વર્ષનો વિકાસ’ પ્રદર્શન અને ડોક્યુમેન્ટરી નિહાળી હતી. તેમજ વેચાણ અર્થે આવેલ વિવિધ સ્ટોલના બહેનો સાથે વાર્તાલાપ કરી વેચાણ તથા ઉત્પાદન અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
16 જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવા સખી મંડળની બહેનોમાં ભારે ઉત્સાહ
આ ઉપરાંત સ્ટોલ પર વેચાણ કરતી દરેક મહિલાઓના ચહેરા પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આશરે 100 જેટલા સ્ટોલ પર સ્વ સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ જેવી કે પેચવર્ક, હેન્ડક્રાફટ, કુર્તી, ડ્રેસ મટીરીયલ્સ, કટલેરી, હોમ ડેકોર આઈટમ, ભરત ગુંથણ, હર્બલ પ્રોડક્ટ, દોરી વર્ક, હસ્તકલાની ચીજવસ્તુઓ, કોયર વર્ક આર્ટીવકલ્સ, સોફ્ટ ટોયઝ, દોરી જુલા, અથાણાં, મરી-મસાલા તેમજ વિવિધ પ્રકારના નાસ્તાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. બાળાઓ દ્વારા ગણેશ વંદના, મરાઠી નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી હતી. કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરોજબેન મારડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર.ધાધલ, ડેપ્યુટી ડીડીઓ રાહુલભાઈ ગમારા, ડિસ્ટ્રિક્ટ લાઈવલી હુડના મેનેજર વિરેન્દ્રસિંહ બસિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વ નિયામક જે. કે.પટેલ, વિવિધ સખી મંડળની બહેનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.