નાગરિકોએ ચોરી, લૂંટ, ધાડ, ઘરફોડ વગેરે ગુનાઓમાં ગુમાવેલી મિલ્કત પરત મળે તે માટે ગુજરાત પોલીસ પ્રાથમિકતાના ધોરણે કામ કરે છે તેમ વડોદરાના હરણી પોલીસ મથકે ગુનાઓમાં ગુમાવેલી મિલ્કત માલિકોને પરત કરી દેવાએ રાજય પોલીસ વડા ભાટીયાએ જણાવ્યું હતું.
ગુજરાત પોલીસના આગવા અભિગમ હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુનુ નિર્માણ થાય તેવા આશય સાથે આરંભ કરવામાં આવેલ પ્રજાભિમુખ અભિયાન અંતર્ગત નાગરિકોએ ચોરી, ઘાડ, લૂંટ, ઘરફોડ વગેરે ગુનાઓમાં ગુમાવેલી મિલ્કત પરત સોંપણીનો કાર્યક્રમ વડોદાર શહેરના હરણી પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય પોલીસના વડા આશિષ ભાટીયાની ઉપસ્તિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાટીયાના હસ્તે 82 જેટલા ફરિયાદીઓને 10.55 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, બાઈક, કાર સહિતની માલ-મિલ્કત પરત આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે હરણી પોલીસ મથકના ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો પણ શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત પોલીસના વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોએ ચોરી, લૂંડ, ધાડ, ઘરફોડ વગેરેના ગુનાઓમાં ગુમાવેલી મિલ્કત તેમને પરત મળે તે માટે ગુજરાત પોલીસ પ્રાથમિકતાના ધોરણે કામ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા ઝડપથી ગુનાઓ ઉકેલાય અને નાગરિકોએ ગુમાવેલી માલ-મિલ્કતની પરત સોંપવા માટે કોર્ટ મારફતે કરવાની થતી પ્રક્રિયા પણ ત્વરાભેર પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. ચોરી, ઘાડ, લૂંટ, ઘરફોડ વગેરે ગુનાઓના આરોપી પકડાઈ જવાથી કે સજા થવાથી નાગરિકોને કંઈ પ્રાપ્ત થતુ નથી, ઘણી વાર કાયદાકીય પ્રક્રિયા કારણે વરસો સુધી નાગરિકોની મિલ્કત પડી રહે છે, ત્યારે નાગિરકોને ગુમાવેલી મિલ્કત ઝડપથી પરત મળે તે દિશામાં ગુજરાત પોલીસ કામ કરી રહી છે. સાથે જ તેમણે વડોદરા શહેરના નાગરિકોએ ગુમાવેલી મિલ્કત પરત અપાવવા શહેર પોલીસે કરેલી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ કમિશનર શમશેરસિંઘે જણાવ્યું કે, રાજ્ય પોલીસ વડાએ ખૂબ સંવેદનશીલ અભિગમ સાથે નાગરિકોની મિલ્કત પરત મળે માટે તે માટે વિશેષ પ્રયત્નો આદર્યાં છે. તેના ભાગરૂપે આજે 82 જેટલા ફરિયાદીઓએ ગુમાવેલી મિલ્કત પરત આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વર્ષો સુધી પડી રહેલી માલ મિલ્કતનો યોગ્ય કાયદાકીય ઉકેલ લાવી અને લોકોએ પોતાની મહેનત કમાયેલ માલ મિલ્કત પરત આપવાની કામગીરી શહેર પોલીસ દ્વારા અવિરત પણે ચાલુ જ રહેશે.
આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, ડીસીપી ઝાલા સહિત પોલીસ અધિકારી-કર્મચારી હાજર રહ્યા હતા.