રાજકોટમાં ૨૫ હજાર પાટીદાર મહિલાઓનું સ્નેહમિલન: પારિવારીક પાસાઓને અનુલક્ષીને દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી ક્ધવેન્શન
પટેલ સેવા સમાજના ઉપક્રમે તાજેતરમાં રાજકોટ શહેર, શાપર-વેરાવળ તથા મેટોડામાં રહેતા કડવા પાટીદાર સમાજની ૨૫ થી ૩૦ હજાર ‘સાસુ-વહુ અને દીકરીઓનું’ વિશાળ મહિલા સ્નેહમિલન ‘એક બીજાને ગમતા રહીએ’ યોજવામાં આવ્યું હતું. પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાયેલા સ્નેહમિલન ગુજરાતના સમાજ અને જાહેર જીવનમાં એક ક્રાંતિકારી અને દુરોગામી પરીણામ લાવનારું બન્યું છે. સૌરાષ્ટ્રની નારી શકિત દ્વારા સામાજિક સુધારણાનો આ શંખનાદ સમગ્ર ગુજરાત અને દેશને એક નવી દિશા ચિંધનારો બન્યો છે.
પટેલ સેવા સમાજની સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાએ છે કે, સંમેલનને ઐતિહાસિક અને અદ્વિતીય બનાવવા માટે છેલ્લા એક વર્ષથી પદ્ધતિસરની તૈયારીઓ કરવામાં આવી હતી. તેમાં ૫૦૦ જેટલી પસંદ કરેલી અગ્રણી મહિલા કાર્યકર્તાઓએ રાજકોટના વિભિન્ન વોર્ડમાં ડોર ટુ ડોર જઈને ઘરના નામ, સરનામા તથા ફોન નંબર સહિતની સંપૂર્ણ પારિવારિક માહિતી એકત્ર કરી હતી. સંમેલનના દિવસે પ્રત્યેક ઘરને રંગોળીથી સજાવવામાં આવ્યું તથા ઘરમાં સવારથી સાંજ સુધી માતાજીનો અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. સંમેલનમાં ભાગ લેનાર તમામ મહિલાઓ ક્રાંતિના પ્રતિક સમાન લાલ સાડીમાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. બુઝુર્ગ મહિલાઓનું મહિલામંડળ દ્વારા શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ અવસરને યાદગાર બનાવવા માટે સંમેલનની થીમને કેન્દ્રમાં રાખીને લખેલા ગુજરાતના ૪૫ જેટલા ખ્યાતનામ લેખકોના લેખો તથા કવિતાઓનું સંકલન કરીને સંપાદિત કરેલ ‘એક બીજાને ગમતા રહીએ’ બુકની એક નકલ પ્રત્યેક પરિવારને સંમેલનના દિવસે વિનામૂલ્યે ભેટમાં આપવામાં આવી હતી. આ પ્રકારના લેખોનું સંપાદન અને પ્રકાશન ગુજરાતમાં પ્રથમ વખત થયું હતું. આ સંમેલનમાં જાણીતા કોલમીસ્ટ અને પ્રખર વકતા જય વસાવડા તથા નેહલ ગઢવી ભટ્ટે સંબોધન કર્યું હતું. ત્યારબાદ મહિલાઓ દ્વારા બંને વકતાઓ સાથે સવાલ-જવાબ અને સંવાદ કર્યો હતો. સામાજિક પરિવર્તનની આ પહેલ નારી શકિતના માધ્યમથી થઈ હતી. રાજકોટના આ સંમેલન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના પાટીદારોની સાથે અન્ય તમામ સમાજને પણ નવ જાગૃતિનો એક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આ સંમેલનની પાટીદાર મહિલાઓના વિકાસનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રાજકીય લેવલે એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરી તેમજ સંગઠિત સ્વસ્થ તથા શિક્ષિત સમાજનું નિર્માણ થયું છે. સંસ્થાના મંત્રી કિશોરભાઈ ઘોડાસરાએ જણાવ્યું છે.