પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજિક જવાબદારી હેઠળ રાજકોટ આઇ.ટી.આઈ. ને અપાઈ છે કાર
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી શ્વેતા ટીઓટીયાની પ્રેરણાથી આઈ.ટી.આઈ-રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો તા. ૦૪-૦૩-૨૦૨૦ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે શુભારંભ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે આઈ.ટી.આઈ-રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી.જી.વી.સી.એલ દ્વારા સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં આવી છે. આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવનાર મહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે. સૌ પ્રથમ તાલીમાર્થી બહેનોને ડ્રાઇવિંગના નિયમોની પ્રાથમિક સમજ અને માર્ગ સલામતીના નિયમો થી અવગત કરાવવામાં આવશે. ત્યાર બાદ તાલીમાર્થી બહેનોને કાર અને તેના પાર્ટ્સના ઉપયોગ વિશે માહિતગાર કરીને બેઝિક તાલીમ બાદ તાલીમાર્થી બહેનોને કાર ડ્રાઇવિંગની ૧ મહિનાની તાલીમ આપવામાં આવશે.
તાલીમાર્થી બહેનોને બેઝિક રિપેરિંગ જેવા કે સ્પેર વ્હીલ બદલવું, ટાયર બદલવા માટે જેકનો ઉપયોગ કઈ રીતે કરવો, કાર ગરમ ના થાય તે માટે તેનું કુલન્ટ ચેક કરવું, એન્જીન ઓઈલ, બ્રેક ઓઈલ ક્યારે બદલાવું, ટાયરમાં હવાનું દબાણ ચેક કરવું વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન અપણ આપવામાં આવશે, તેમ આઈ.ટી.આઈ-રાજકોટના પ્રિન્સિપાલશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.