મહિલાઓને શિક્ષિત બની રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કરતા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા
ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા વલસાડના મોરારજી દેસાઇ મેમોરીયલ હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ પાયાની બાબત છે અને શિક્ષિત સમાજનો વિકાસ ઝડપી થાય છે, ત્યારે મહિલાઓએ શિક્ષિત બની આગળ આવી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવું જોઇએ. ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત છે ત્યારે મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તેમજ રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ આગળ આવી સુદૃઢ સમાજના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે.
સમાજમાં નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતમાં ૨૭૦ નારી અદાલતો બનાવી છે, જે દરેક તાલુકા કક્ષાએ કાર્યરત છે. જેમાં મહિલાઓના તમામ પ્રશ્નોનું સમાધાન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારની તમામ યોજનાઓની જાણકારી પણ ત્યાં મળી રહે છે. પોલીસ સ્ટેશનમાં જવાની તેમજ વકીલ રાખવાની જરૂર રહેતી નથી.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મહિલાઓની સતત ચિંતા કરે છે અને મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે તેનો લાભ દરેક મહિલાઓએ લેવો જોઇએ અને અન્યને લાભ અપાવવામાં મદદ પણ કરવી જોઇએ. મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ અપાવવા ગેસ કનેકશન અપાવ્યા છે. બ્યુટીપાર્લર, સીવણ તાલીમ વર્ગમાં તાલીમ લઇ આજે અનેક મહિલાઓ પગભર બની પોતાના ઘરનું ભરણપોષણ કરી રહી છે. સાસુ-વહુના ઝગડાવાળી ટીવી સીરીયલ જોઇને ગેરમાર્ગે દોરાઇ જતી મહિલાઓને સારી સીરીયલોમાંથી બોધપાઠ લઇ જીવનમાં સારી વાતો અપનાવવા અનુરોધ કર્યો હતો. ગુજરાતની દરેક કન્યાઓને રાજ્ય સરકાર જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપે છે, ત્યારે દરેક દીકરીઓ ઉચ્ચક્ષેત્રે પહોંચી પોતાની કારકિર્દી બનાવે તે આવશ્યક છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ-ગાંધીનગરના સભ્ય સચિવ અને અધિક કલેક્ટર વીણાબેન પટેલે કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવી મહિલા આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી. તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સફળતા અંગે વિસ્તૃત જાણકારી આપી તેનો સંકટ સમયે મહિલાઓને વિનાસંકોચે લાભ લેવા જણાવ્યું હતું. નારી અદાલત પણ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને મહિલાઓને તેમના હક્કો અપાવવામાં મહિલા આયોગ સતત કાર્યરત રહે છે. આ તાલીમમાંથી મેળવેલી જાણકારી તેમજ મહિલાઓને લગતી યોજનાઓની જાણકારી ગામેગામ પહોંચાડે તે આવશ્યક છે.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, મહિલાઓ ઉપર અત્યાચાર રોકવા માટે કાયદાકીય જ્ઞાન જરૂરી છે અને ગુજરાત સરકાર મહિલાઓ માટે હંમેશા જાગૃત છે ત્યારે કાયદાકીય જાગૃતિ માટે કરાયેલા આયોજનની તેમણે સરાહના કરી હતી. મહિલાઓ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરે અને સમાજના વિકાસમાં યોગદાન આપે તે આવશ્ચક છે.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં મહિલાઓને કાયદાકીય જ્ઞાન મેળવી તેનો મહિલાઓ ઉપર થતા અત્યચારો રોકવા માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આધાર ટેબલેટ કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પારડી-રના મુખ્ય સેવિકા નયનાબેન પટેલ, ધરમપુરના મુખ્ય સેવિકા સીતાબેન પટેલ તેમજ ઉમરગામ-૧ના મુખ્ય સેવિકા રીટાબેન પટેલનું મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયાના હસ્તે સન્માનિત કરાયાં હતાં.
વલસાડના પ્રોગ્રામ ઓફિસર મંજુલાબેને સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા હેતલબેન પટેલે આભારવિધિ આટોપી હતી.
આ અવસરે નારી અદાલતના નિકીતાબેન, કલ્સ્ટર રીસોર્સ પર્સન નીમિતાબેન પટેલ, મહિલા મોર્ચાના અધ્યક્ષ જીગીષાબેન, મહિલા સરપંચો, વલસાડ તાલુકા પંચાયતના શિવાંગીબેન પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના મહિલા સભ્યો, પારડી નગરપાલિકા પ્રમુખ સહિત સમગ્ર જિલ્લામાંથી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.